જમીન કૌભાંડની FIR સામે જ શંકા: મોરબીમાં અંગૂઠા છાપ મહિલાએ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કર્યા ?, મહિલા અને જમીન લેનાર સરપંચ સામે ગુનો નોંધાયો
SHARE









જમીન કૌભાંડની FIR સામે જ શંકા: મોરબીમાં અંગૂઠા છાપ મહિલાએ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કર્યા ?, મહિલા અને જમીન લેનાર સરપંચ સામે ગુનો નોંધાયો
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વજેપર ગામ સર્વે નંબર ૬૦૨ વાળી કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં કૌભાંડ થયું હોવા અંગેની અરજીઓ મૂળ માલિક સહિતનાઓ દ્વારા કરવામાં આવતી હતી અને તે અરજીઓની તપાસ દરમિયાન ખરેખર કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ જમીન કૌભાંડ બાબતે ભોગ બનેલા વૃદ્ધની તાબડતોબ ફરિયાદ લીધી છે. અને હાલમાં ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો, ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને વૃદ્ધ ની માલિકીની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી પડાવનાર તથા ખોટી એન્ટ્રી કર્યા બાદ તુરત જ આ જમીનનું જે શખ્સને દસ્તાવેજ કરીને ૮૬.૭૦ લાખમાં વેચાણ કરવામાં આવ્યું છે તે બંને તથા તપાસમાં જેના નામ ખુલે તે તમામની સામે એ ડિવિજનમાં ગુનો નોંધાયેલ છે જો કે, વારસાઈ એન્ટ્રીમાં તેમજ દસ્તાવેજમાં જે મહિલા અંગુઠો લગાવે છે તે અજ્ઞાન મહિલા આવડું મોટું જમીન કૌભાંડ કરી શકે તે વાત કોઈને ગળે ઉતરે તેવી નહીં જેથી કરીને એફઆઈઆર સામે જ શંકા ઊભી થઈ રહી છે અને અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આ ફરિયાદ લેવામાં આવી રહી હતી ત્યારે એસપી પણ હાજર રહ્યા હતા જેથી હવે તપાસનીસ અધિકારી શું બહાર લાવી શકે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર મેઇન કેનાલની બાજુમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ (૬૫)એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન મનજીભાઈ પરમાર રહે. ત્રાજપર ખારી, મોરબી-૨ મૂળ રહેય ઝાઝાસર (દેવગઢ) તાલુકો માળીયા(મી) અને સાગર અંબારામભાઈ ફુલતરીયા રહે. તરઘરી તાલુકો માળીયા(મી) વાળાની સામે ફરીયાદ નોંધાવેલ છે જેમા જણાવ્યુ છે કે, તેઓના પિતાના પિતા તેમજ ત્રણ કાકા અને બે ફૈબા હતા જે તમામનું અવસાન થઇ ગયેલ છે અને તેઓના પરિવારમાં શાંતાબેન બેચરભાઇ ડાભી વા/ઓફ મનજીભાઇ પરમાર નામની કોઈ મહીલા નથી અને ફરીયાદીના પિતા બેચરભાઈ ડુંગરભાઈ નકુમ તા. ૧૯/૧૨/૧૯૯૯ ના રોજ અને માતા હરીબેન બેચરભાઈ નકુમ તા. ૧૭/૧૨/૧૯૯૧ ના રોજ મરણ ગયેલ છે જો કે, તેઓના માલિકી વાળી વજેપર ગામના સર્વે નંબર- ૬૦૨ વાળી જમીનમાં થયેલ ગેરરીતી કરવામાં આવી હતી જેથી અરજદાર તેમજ તેઓના વતી કે.ડી. પંચાસરા ઉર્ફે લંકેશ રહે. મોરબી વાળાએ મોરબીથી લઇને ગાંધીનગર સુધી અરજીઓ કરી હતી ત્યાર બાદ હવે તાબડતોબ ફરીયાદ લેવામાં આવેલ છે. !
ફરીયાદીએ લખાવ્યા મુજબ વજેપર ગામની સીમમાં ખાતા નંબર- ૧૫૮, સર્વે નંબર-૬૦૨ વાળી ૧-૫૭-૮૩ હે.આરે.ચો.મી. જમીન પંચાસ૨ શેડ, મામાદેવ મંદિર ની બાજુમાં આવેલ છે. આ જમીન તેઓની સંયુક્ત ભાયુ ભાગની જમીન છે. જે વર્ષ ૧૯૫૯ માં જીવા કલા અને જીવા રામા પાસેથી ફરીયાદીના પિતા બેચરભાઈ ડુંગરભાઈ નકુમે અઘાટ વેચાણ રાખેલ હતી. જેનો તા.૦૩/૦૧/૧૯૫૯ ના રોજ દસ્તાવેજ કરેલ છે. જેની નોંધ રેવન્યુ વિભાગમાં નોંધ નંબર - ૬૬૩ થી હક્ક પત્રકમાં દાખલ થયેલ છે. ત્યારબાદ તા.૨૩/૦૪/૧૯૯૯ ના રોજ દસ્તાવેજ નંબર-૨૪૪૭ થી સર્વે નંબર- ૬૦૨ વાળી જમીનમાંથી પાંચ વીઘા જમીન ફરીયાદીની પિતા બેચરભાઈ ડુંગરભાઈ નકુમે તેમના ભાઈ ભગવાનજીભાઈ ડુંગરભાઈ નકુમને વેચાણ આપેલ હતી. આ અંગે થયેલ દસ્તાવેજમાં બેચર ડુંગર નકુમ વેચનાર અને લેનારમાં ભગવાનજીભાઈ ડુંગરભાઈ નકુમ છે. તેમજ આ જમીન ભગવાનજીભાઈ ડુંગરભાઈ નકુમના પત્ની સીવીબેન ભગવાનજીભાઈ નકુમનાઓએ પોતાને કોઈ સંતાન ન હોવાથી હીરાભાઈ બેચરભાઈ નકુમના ત્રણ પુત્રોને આ જમીન વીલથી આપેલ હતી.
હાલના ફરીયાદીના પિતા અને જમીન ધારક બેચરભાઇ ડુંગરભાઇ નકુમનું તા. ૧૯/૧૨/૧૯૯૯ ના રોજ અવસાન થયેલ અને આ જમીન પૈકી બે એકર જમીન ખરીદનાર ભગવાનજીભાઈ ડુંગરભાઈ નકુમે ૩૨/ક દસ્તાવેજ ફરીયાદીના ભાણેજ જયંતીભાઈ મીઠાભાઈ પરમારે વર્ષે ૨૦૧૩ માં છોડાવેલ જેની દંડની પહોંચ પણ છે. આ સર્વે નંબર-૬૦૨ વાળી જમીનની હાલમાં બજાર કિંમત કરોડો રૂપિયાની થાય છે. અને જમીનનો હાલમાં કબજો પણ ફરીયાદીનો જ છે. પરતુ ફરીયાદીના પરીવારમાં વારસદારોની સંખ્યા વધુ હોય અને અજ્ઞાનતાના કારણે વારસાઈ નોંઘ રેવન્યુ રેકર્ડમાં થયેલ ન હોવાના કારણે ફરીયાદીની કિંમતી જમીન પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો અને પુરાવાઓ ઉભા કરીને ષડયંત્ર કરવામાં આવ્યુ છે. અને શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહીલાએ સાગર અંબારામભાઈ ફુલતરીયા રહે. તરઘડી તાલુકો માળીયા વાળાને દસ્તાવેજ કરી દિધેલ છે.
વધુમાં ફરીયાદીએ જણાવ્યુ છે કે, ગઇ તા. ૧૦/૦૭/૨૦૨૪ ના રોજ તેઓની જમીનમાં વારસાઈ કરવા માટે શાંતાબેન વા/ઓ મનજીભાઇ પરમારએ ખોટુ સોગંદનામુ કરી તેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવ્યો હતો. આ શાંતાબેન બેચરભાઈ ડાભી કે જે મનજીભાઈ ૫રમારના પત્નીએ સર્વે નંબર- ૬૦૨ વાળી જમીનના મુળ માલિક સ્વ. બેચરભાઈ ડુંગરભાઇ નકુમની દિકરી શાંતાબેન બેચરભાઈ ડાભી હોવાની ખોટી શાખ ઉભી કરી હતી અને આ કિંમતી જમીનમાં પોતે વારસાઇ નોંઘ પાડવા મામલતદાર, ઈ-ધારા કે ન્દ્ર, મોરબી ખાતે તા. ૧૬/૦૭/૨૦૨૪ ના રોજ હક્ક પત્રકની નોંઘ દાખલ કરવા અરજી કરેલ હતી, જેમાં અરજદાર તરીકે શાંતાબેન બેચરભાઈ ડાભી વા/ઓફ મનજીભાઈ પરમાર રહે. ત્રાજપર ખારી મોરબી-૨ દર્શાવ્યુ છે. જો કે, શાંતાબેન બેચરભાઈ ડાભી વા/ઓફ મનજીભાઈ પરમાર ખરેખર જ્ઞાતિએ કોળી છે અને તેના પિતાજીનું નામ ગેલાભાઈ ખોડાભાઈ કારૂ છે તેમ છતા પણ ફરીયાદીના પિતાના વારસદાર તરીકે ખોટુ સોગંદનામું કર્યુ હતુ તેમજ ફરીયાદીના માતા-પિતા બંનેના ખોટા મરણના દાખલા રજુ કર્યા હતા જેના આધારે ખોટો વારસાઇ પેઢી આંબો બનાવ્યો છે અને વજેપર સર્વે નંબર ૬૦૨ વાળી જમીનમાં તા.૧૬/૦૭/૨૦૨૪ થી વારસાઈ કરાવી હતી. જેમાં મહિલાએ અંગૂઠાનું નિશાન આપેલ છે.
આ જમીનમાં ખોટી વારસાઇ કરાવ્યા બાદ જમીન શાંતાબેન મનજીભાઇ પરમારએ મોરબી સબ રજીસ્ટાર કચેરીના દસ્તાવેજ નંબર-૮૪૫ તા.૦૮/૦૧/૨૦૨૫ થી સાગર અંબારામભાઇ ફુલતરીયાને રૂપિયા ૮૬,૭૦,૦૦૦ માં વેચાણ કરી દિધેલ છે. આમ શાંતાબેન મનજીભાઈ પરમાર તથા તરઘરી ગામના હાલના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાએ ફરીયાદીના પિતાની જમીન જે-તે સ્થિતિમાં હોય અને વારસાઇ કરાવેલ ન હોય તેનો ફાયદો ઉઠાવી, શાંતાબેન મનજીભાઈ પરમારે ફરીયાદીના માતા-પિતાના મરણના ખોટા દાખલા બનાવી, તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને ફરીયાદીની જમીનમાં ખોટા વારસદાર તરીકે પોતાના નામની ખોટી વારસાઈ એન્ટ્રી કરાવી હતી અને ફરીયાદીની વડીલો પાર્જીત ખેતીની જમીન બારોબાર સાગર ફુલતરીયાને વેચાણ દસ્તાવેજ કરી દિધેલ છે. આમ આ બંને તેમજ તપાસમાં જેના નામ ખુલ્લે તે તમામ દ્વારા કરોડોની કિંમતી જમીન પચાવી પાડવા માટે ષડયંત્ર કરવામાં આવ્યુ છે તેવી ભોગ બનેલા વૃધ્ધે ફરીયાદ નોંધાવેલ છે આ ગુનાની તપાસ ડીવાયએસપી વી.બી દલવાડી ચલાવી રહ્યા છે
અત્રે ઉલેખનીય છેકે, જે મહિલાને આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવેલ છે તે મહિલાએ જમીનમાં વરસાઈ એન્ટ્રી કરવામાં આવી હતી ત્યારે તેમજ જમીનનો દસ્તાવેજ કરવામાં આવેલ છે તે બંનેમાં અંગૂઠાનું નિશાન આપેલ છે ત્યારે આ અજ્ઞાન મહિલા આવડું મોટું જમીન કૌભાંડ કરી શકે ખરી તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે અને આ દિશામાં તપાસ કરવામાં આવે તો જ ભોગ બનેલ વૃદ્ધને ન્યાય મળેલ તેમ છે. અને વૃદ્ધ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલ અરજીઓની અસરના ભાગ રૂપે તાબડતોબ ફરિયાદ લેવામાં આવી છે અને ફરિયાદ લેવામાં આવી રહી હતી ત્યારે એસપી પણ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર હતા તેવી માહિતી ફરિયાદી અને તેની સાથે રહેલા લોકો પાસેથી જાણવા મળી રહી છે જો કે, આ જમીન કૌભાંડની તપાસનો રેલો કયા સુધી આવશે તે તો આગામી સમય જ બતાવશે.
