મોરબી: લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાબતે અરજી કરવાની તા. ૫ એપ્રિલ સુધી લંબાવાઈ
મોરબી પાલિકામાં કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોમાં 4 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
SHARE
મોરબી પાલિકામાં કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોમાં 4 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કાલે રાજ્યના મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલાય પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં પાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારે છેલ્લી બોડી કલમ 45(ડી) હેઠળ જે કામ કર્યા છે તેમાં અંદાજે 4 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે તેવો ગંભીર આક્ષેપ કર્યો અને આ બાબતે મોરબીમાં મુખ્યમંત્રીને રજુઆત કરવા કોંગ્રેસે સમય માંગ્યો છે જો કે, સમય આપવામાં આવશે કે કેમ તે તો હવે આગામી સમય જ બતાવશે.
મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા અને સંદીપભાઈ કલારિયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, મોરબી પાલિકાની છેલ્લી બોડીમાં તમામ સભ્યો ભાજપના હતા અને ત્યારે લાખો નહીં કરોડોનો ભ્રષ્ટાચાર પાલિકામાં કરવામાં આવેલ છે. કેમ કે. મામુલી ખર્ચમાં જે કામ થાય તેમ હોય તેના લાખો અને કરોડોના બિલ બનાવવામાં આવેલ છે. મોરબીના નહેરૂગેટના લાઇટિંગનું કામ 25 લાખનું બિલ પાસ કરેલ છે જે માત્ર 5થી 7 લાખમાં થઈ શકે તેમ હતું.
આવી જ રીતે અનેક કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને મોરબી પાલિકાએ નંદીઘર બનાવ્યું હતું અને તે નંદીઘરમાં ભ્રષ્ટાચાર થયો છે તેવી નિવેદન અગાઉ કાંતિલાલ અમૃતિયાએ જાહેરમાં આપ્યું હતું. અને જે માહિતી કોંગ્રેસ દ્વારા માંગવામાં આવી હતી તેમાં એવું સામે આવ્યું છે કે, નંદીઘરમાં પોર્ટેબલ કેબિન મંગાવવામાં આવી હતી. તે 4 કેબિનનો ખર્ચ 39 લાખ છે જો કે, કન્ટેન્ટ કેબિન આજેની તારીખે માર્કેટમાં 3થી 4 લાખમાં મળી શકે છે. આવી જ રીતે ઉમિયા સર્કલે તરંગો લહેરાવવામાં આવેલ છે તેનું 10.61 લાખનું બિલ મંજૂર કરેલ છે. આવી જ રીતે પાલિકાના ચીફ ઓફિસરનું ક્વાર્ટર તેમજ ઓફિસ રિનોવેશન માટે લાખો રૂપિયાના બિલ મંજૂર કરવામાં આવેલ છે.
આવી જ રીતે બીજા જે બિલ પાલિકામાં બનેલ છે તેમાં નંદીઘરનો શેડ બનાવ 48.97 લાખ, 13 વોર્ડની ભૂગર્ભ ગટર માટે 9 મેઈન હોલ બનાવ 16.97 લાખ વિગેરે જેવા અનેક શંકાસ્પદ ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે અને બધા જ કામો કલમ 45(ડી) હેઠળ કરવામાં આવ્યા છે. જો કે, આ કલમ હેઠળ તે કામ કરી શકાય કે નહીં તે પણ તપાસનો વિષય છે અને પાલિકાની છેલ્લી બોડી કુલ મળીને 7.45 કરોડ રૂપિયા કલમ 45(ડી) હેઠળ વાપર્યા છે. જો કે, આ કામ 2થી 3 કરોડમાં થઈ જાય તેમ છે જેથી કરીને 4 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે. જેથી આ અંગેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવશે.
તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બુધવારે મોરબી આવે છે ત્યારે જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે અને દારૂ, ડ્રગ્સ વિગેરે બેફામ રીતે વેચાય છે. તેમજ ભુમાફિયાઓ બેફામ બન્યા છે. જીલ્લામાં આરોગ્ય સેન્ટરમાં પૂરતો સ્ટાફ નથી, આરટીઓ ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ અંગેની ધારાસભ્યો રજૂઆત કરી શકતા નથી જેથી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીના પ્રશ્નોને લઈ રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીનો સમય માંગવામાં આવ્યો છે. અને કોંગ્રેસના આગેવાનોને સ્થાનિક ધારાસભ્યને ચેલેન્જ આપીએ છે કે, તમારામાં હિંમત હોય તો કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને રજુઆત કરવા માટેનો સમય આપો કેમ કે, સોશિયલ મીડિયામાં વિકાસની વાતો કરવાથી લોકોના પ્રશ્નો ઉકેલતા નથી.