મોરબીમાં સ્ત્રી મતદારોની ઓછી નોંધણી બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીની ખાસ કવાયત
ખેડૂતોની ઉન્નતિ માટે સહકારી ક્ષેત્રોને મજબૂત બનાવવા સરકાર કટિબદ્ધ: બ્રિજેશ મેરજા
SHARE
ખેડૂતોની ઉન્નતિ માટે સહકારી ક્ષેત્રોને મજબૂત બનાવવા સરકાર કટિબદ્ધ: બ્રિજેશ મેરજા
રાજકોટ તા.૨૨ નવેમ્બર – રાજયના શ્રમ અને રોજગાર વિભાગના રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રાજયસરકારની સહકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. કોલીથડ સહકારી મંડળી દ્વારા સભ્યો માટે અકસ્માત વીમો, આરોગ્ય સહાય, અંતિમ વિધિ કાર્યમાં સહાય સહિતની અનેક કલ્યાણકારી કામગીરી કરવામાં આવે છે. જેના અનુસંધાને મંત્રીના હસ્તે લાભાર્થી સભ્યોના પરિવારજનોને ચેક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કોલીથડ ગામે ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સ્વ. વલ્લભભાઈ પોપટભાઈ પટેલની ૩૨મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવી તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતાં.
વલ્લભભાઈની જન્મભૂમિ અને સહકારી પ્રવૃતિઓની સહારના કરતાં મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ સરકાર ખેડૂતોના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે કૃષિ અને સહકારી પ્રવૃત્તિઓના વિકાસ માટે સતત કાર્યશીલ છે. મંત્રી મેરજાએ સ્વ. વલ્લભભાઈ પટેલ કૃષિ અને સહકારી ક્ષેત્રે પાયાના પથ્થર તરીકેની ભૂમિકાને વાગોળતા જણાવ્યું હતું કે તેઓ સહકાર ક્ષેત્રમા ‘‘છોટે સરદાર’’ તરીકે જાણીતા હતા. હાલની અગ્રણી સહકારી સંસ્થાઓ નાફેડ, ઇફ્કો, પ્રીપકો, ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના કાર્યક્ષેત્રમાં તેઓની અગ્રીમ ભૂમિકા રહેલી છે. વલ્લભભાઈ માત્ર ખેડૂતો જ નહિ પરંતુ સર્વે સમાજને સાથે રાખીને લોકોના કલ્યાણ માટે કામગીરી કરવાની ભાવના ધરાવતા હતાં.
મંત્રી બ્રિજેશભાઈએ સ્વ. વલ્લભભાઈ સાથે ગાળેલી અંગત ક્ષણોની યાદગીરી વાગોળતા જણાવ્યું હતું કે ૧૦ વર્ષ જેટલા વિશાળ સમયગાળામાં તેઓની કાર્ય પ્રત્યે ધગશ, નિષ્ઠા, પ્રામાણિકતાના સંબંધો સાચવવાની કળા સૌને સાથે રાખવાના પ્રેરણામાત્મક ગુણો સહિતનો અનુભવ તેમની પાસેથી મળ્યો છે. જેણે મારી કારકિર્દીમાં ખુબ અગત્યનો ભાગ ભજવ્યો હોવાનું મેરજાએ આ તકે કૃતજ્ઞ ભાવ વ્યક્ત જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલીથડ સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ સાવલિયા, જિલ્લા પંચાયત સદસ્ય સહદેવસિંહ, તાલુકા પંચાયત સભ્ય ભાવિનભાઈ, અગ્રણીઓ જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.