મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા
SHARE








મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા
મોરબી જિલ્લાની શહેરી વિસ્તારમાં આવેલી મોરબી તાલુકાની પીએમશ્રી તાલુકા શાળા નંબર ૨ માં બાલમેળો તેમજ જીવન કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સહકાર, લોકશાહીની ભાવના, સર્જનાત્મકતા, સાહસિકતા જેવા ગુણોની ખીલવણી કરી શકાય તેમજ જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવી શકાય તથા આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજનની સાથે જ્ઞાનમાં વધારો થાય તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે. આ મેળામાં શાળાનાં ૩૮૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડાએ શાળાની મુલાકાત લીધેલ હતી. તેઓએ શાળા પરિવારને ખભે ખભા મિલાવી કામ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળા યોજાયા
વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે તેમજ સહકાર, નેતૃત્વ, લોકશાહી, સાહસિકતા, સર્જનાત્મકતા, મૌલિકતા વગેરે જેવા કૌશલ્યો કેળવે અને સાથે રોજિંદા જીવનના નાના-મોટા પ્રશ્નો હલ કરવાથી સ્વાવલંબી બને તેવા ઉમદા હેતુથી માળીયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં બાળમેળા અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના શિક્ષકો દિક્ષિતાબેન મકવાણા, રમેશચંદ્ર કાનગડ, રવિ મઠિયા તેમજ આચાર્ય અનિલ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ બાળ મેળા અંતર્ગત ધોરણ બાળવાટિકા થી ધો.૫ ના વિદ્યાર્થીઓએ બાળવાર્તા, હાસ્ય દરબાર, વેશભૂષા, છાપકામ, ચીટકકામ, માટીકામ, ચિત્રકામ, રંગપૂરણી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી હતી જ્યારે લાઈફ સ્કિલ મેળા અંતર્ગત ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ખીલ્લી લગાવવી, સ્ક્રુ લગાવવો, કુકર ખોલવું-બંધ કરવું, ઈસ્ત્રી કરવી, ફ્યુઝ બાંધવો, બટન ટાંકવા, વજન-ઉંચાઈ માપવા, મહેંદી મુકવી, વેસ્ટમાંથી બેસ્ટ તેમજ વિવિધ સ્ટોલ મારફત વસ્તુઓના ખરીદ વેચાણ અંગેની પ્રવૃતિઓ કરી હતી.
તેમજ નાની બરાર તાલુકા શાળામાં ધો.૧ થી ૫ ના વિધાર્થીઓ માટે બાળમેળા અને ધો.૬ થી ૮ ના વિધાર્થીઓ માટે લાઇફ સ્કીલ મેળોનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, જીવન કૌશલ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.બાળમેળા અંતર્ગત વિદ્યાર્થીઓએ માટી કામ, ચિત્રકામ અને હસ્તકલામાં ભાગ લીધો હતો. લાઇફ સ્કીલ મેળા અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વચ્છતા, આરોગ્ય અને સલામતી જેવી આવશ્યક જીવન કૌશલ્યો શીખવવામાં આવ્યા.જેના ભાગ રૂપે ફાયર સેફટી બોટલનો ઉપયોગ, સ્ટેથોસ્કોપનો ઉપયોગ, ઉન દ્વારા વિવિધ નમુના બનાવવા, CPU ના વિવિધ ભાગોની સમજ, તોરણ બનાવવા અને મહેંદી મૂકવી જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.બાલ મેળા અને જીવન કૌશલ્ય મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને સ્વ-અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવું અને વિદ્યાર્થીઓને સમસ્યાનું નિરાકરણ, સંદેશાવ્યવહાર અને ટીમવર્ક જેવા આવશ્યક જીવન કૌશલ્યોથી સજ્જ કરવાના હતો.જે કાર્યક્રમના અંત સુધીમાં મહદ્અંશે સાર્થક થતો જણાયો.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોની ભાગીદારી જોવા મળી. વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભા અને કૌશલ્યોનું પ્રદર્શન કર્યું, જ્યારે શિક્ષકોએ એમને માર્ગદર્શન અને સમર્થન પૂરું પાડ્યું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા સુંદર આયોજન બદલ સૌની અભિનંદન પાઠવવામાં આવ્યા અને સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
