વાંકાનેરના લક્ષ્મીપરામાં જૂનુ મનદુખનો ખાર રાખીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના વીસીપરામાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ
SHARE
મોરબીના વીસીપરામાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ
મોરબીના વીસીપરા વિસ્તારમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ક્રિકેટ રમવા માટે થયેલ જૂની માથાકૂટ સંદર્ભે અને કૌટુંબિક સગાની દીકરી સાથે લગ્ન કરેલાં હોય તે વાતને લઈને બોલાચાલી થઇ હતી તે મતલબની બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે અમિત મનજીભાઈ ચાવડા (૨૪) રહે. રોહીદાસપરા વિસ્તાર વાળાએ સિધ્ધરાજ તુલસી સોલંકી, તુલસી ગોવિંદ સોલંકી અને નાનજી ગોવિંદ સોલંકી રહે. રોહીદાસપરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે તેઓએ સામાવાળાના કુટુંબની દીકરીની સાથે ચાર વર્ષ પહેલા લગ્ન કરેલા છે તે વાતના જુના મનદુઃખને લઈને બોલાચાલી કરીને ઝઘડો કર્યા બાદ મારામારી કરવામાં આવી હતી. જ્યારે સામાપક્ષેથી સિધ્ધરાજ તુલસીભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે અમિત મનુભાઇ ચાવડા, કેતન ઉર્ફે કાનો મનુભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અગાઉ ક્રિકેટ રમવા બાબતે માથાકુટ થઇ હતી તે વાતનો રોષ રાખીને આ બન્ને ભાઈઓ દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો સામસામી ફરિયાદ નોંધાતાં બીટ જમાદાર વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠા સર્કીટ હાઉસની સામે આવેલા મફતપરા વિસ્તારમાં રહેતી ભેગુબેન ભીમાભાઇ સોલંકી નામની ૪૫ વર્ષીય મહિલા મોરબીના સામાકાંઠા મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ કુળદેવી પાન પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ગાડી ચાલકે તેમને હડફેટે લેતા ઈજાગ્રસ્ત ભેગુબેનને અહીં ક્રિષ્ના હોસ્પિટલ સારવારમાં લવાયા હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ હાથ ધરી છે જ્યારે મોરબીના સામાકાંઠા ત્રાજપર ચોકડી નજીક રહેતા લક્ષ્મણભાઈ ભનાભાઈ વરાણીયા નામના ૮૧ વર્ષીય વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા
અકસ્માત
મોરબીના ઘૂંટુ ગામે રહેતા અનિલભાઈ રમેશભાઈ જમોડ નામનો ૨૦ વર્ષીય યુવાન વાહનમાં જતો હતો ત્યાં વાહન અકસ્માતના બનાવોમાં ઈજા થતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે મોરબી નજીકના ગુલાબનગર અને રામેશ્વર ગામની વચ્ચેથી બાઈક લઈને જઈ રહેલ રમેશભાઈ શૈલેષભાઈ મઠીયા નામના ૨૧ વર્ષીય યુવાનના બાઈકની આડે અચાનક કૂતરું ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને રમેશભાઈને સારવાર માટે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.
આધેડ ઇજાગ્રસ્તો
મોરબી નાની વાવડી ગામે રહેતા જયંતીભાઈ શીવાભાઈ પડસુંબીયા (૬૧) અને અનિલભાઇ રામજીભાઇ પડસુંબીયા (૫૦) નામના બે આધેડ વાહનમાં જતા હતા ત્યારે દેવ ફનવર્લ્ડની પાસે વાહન અકસ્માત થયો હતો જેમાં બન્નેને ઇજાઓ થતાં અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યારે મૂળ મધ્યપ્રદેશ અને હાલ ભારતનગર ગામ પાસે આવેલ લેકમા પ્લાઇવૂડમાં રહેતા હિતેશભાઈ માલવીનો ૬ વર્ષીય પુત્ર અક્ષય કારખાનામાં રમતો હતો ત્યારે તેને લોડર અને ટેકટર સાથે થયેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં ચેતનભાઇ રબારીએ તેને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખસેડ્યો હતો અને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે