મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ સાગર ફુલતરિયાની હવે માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં ધરપકડ કરતી સીઆઇડી
SHARE









મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ સાગર ફુલતરિયાની હવે માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં ધરપકડ કરતી સીઆઇડી
માળીયા મીયાણા તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ મોરબીના ચકચારી 602 જમીન કૌભાડમાં પકડાયેલા આરોપી સાગર ફુલતરીયની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીને આજે રિમાન્ડની માંગણી સાથે તપાસનીસ અધિકારી દ્વારા માળીયા મિયાણાંની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલેખનીય છે કે, અગાઉ આ ગુનામાં સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રીની ધરપકડ કરીને તેના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરવામાં આવેલ છે.
માળિયા મીયાણા તાલુકાના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેઓનું થોડા સમય પહેલા જ બીમારી સબબ અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત જે મહિલા તેની દીકરી ન હતી તેને બોગસ સોગંદનામુ કરીને તેના આધારે મેળવેલ વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તેના આધારે તેઓની ખેતીની જમીનમાં તે મહિલાને વારસદાર બનાવમાં આવી હતી. જે બાબતે ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનાર, બોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા ચલાવી રહ્યા છે અને આ ગુનામાં પહેલા સરવડ ગામના તત્કાલિન તલાટિ મંત્રી ભરતભાઈ દેવજીભાઈ ખોખરની આરોપી તરીકે ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂરા થતાં આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આગઉ પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું હતું કે મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલા આરોપી સાગર ફુલતરીયાએ કહ્યું હતું કે તેની પાસે મહેશ રાવલ અને તેનો દીકરો ઉદય રાવલ આવશે તેને વારસાઈ આંબો કાઢી આપવાનો છે.
જેથી સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા દ્વારા 602 જમીન કૌભાંડમાં સીઆઇડીની ટીમે પકડીને મોરબીની જેલ હવાલે કરેલ આરોપી સાગર આંબરામભાઈ ફૂલતરિયાનો મોરબીની જેલમાંથી કબ્જો લેવામાં આવેલ છે અને માળીયાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં આરોપી તરીકે સાગર ફૂલતરિયાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે આજે માળીયા ની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
