ખાડાએ જીવ લીધો !: માળીયા (મી) નજીક રસ્તમાં આવેલ ખાડાના લીધે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ આધેડનું મોત
SHARE
ખાડાએ જીવ લીધો !: માળીયા (મી) નજીક રસ્તમાં આવેલ ખાડાના લીધે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ આધેડનું મોત
મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ શહેનશાવલીના પાટીયા પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આવેલ ખાડાના કારણે બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના હરીપર ગામે રહેતા સુભાનભાઈ નુરમહમદભાઈ પાયક (51)ની ફરિયાદ લઈને બાઇક નંબર જીજે 12 ઇકે 6635 ના ચાલક મૃતક સતારભાઈ કાસમભાઈ પાયક (50) રહે. હરીપર તાલુકો માળીયા મીયાણા વાળા સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ શહેનશાવલીના પાટીયા પાસેથી ગત તા. 10/9 ના સાંજના 7:30 વાગ્યાના અરસામાં મૃતક સતારભાઈ પાયક પોતાના હવાલા વાળું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલા ખાડાના કારણે તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
સાપ કરડી જતાં સારવારમાં
મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા મણીબેન મંગળભાઈ વસાવડા (52) વાડીએ ખેતી કામ કરી રહ્યા હતા દરમિયાન તેને સાપ કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાઇક સ્લીપ
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા શીતલબેન ભાવેશભાઈ ભંખોડીયા (31) નામના મહિલા ઘરેથી સોઓરડી બાજુ બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન બાઈક સ્લીપ થવાના કારણે તેમને ડાબા પગમાં ઇજા થઈ હતી જેથી મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
હળવદના વેગડવાવથી અજીતગઢ ગામ તરફ જવાનો રસ્તા ઉપર પ્રકાશભાઈ ઠાકરશીભાઈ મોરી (31) અને જયશ્રીબેન પ્રકાશભાઈ મોરી (31) બાઈકમાં પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કોઈ કારણોસર બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.