મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો
SHARE
મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સોના સિરામિક પાસે વળાંકમાં ટ્રકમાંથી કન્ટેનર બાજુમાંથી પસાર થઈ રહેલ કાર ઉપર પડ્યું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં કારમાં બેઠેલ દંપતીનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે કારમાં બેઠેલ મૃતક યુવાનના ભાઈ દ્વારા હાલમાં ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ટંકારામાં મોરબી નાકા પાસે આવેલ દેવીપુજકવાસમાં રહેતા નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા (60)એ ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટી 9822 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 22/12 ના રોજ બપોરે સવા વાગ્યાના અરસામાં ફરિયાદી નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા અને તેના પત્ની જયાબેન નાથાભાઈ કુંઢીયા તેમજ ફરિયાદીનો નાનો ભાઈ મનસુખભાઈ મનજીભાઈ કુંઢીયા (45) અને તેઓના પત્ની મંજુબેન મનસુખભાઈ કુંઢીયા (40) સેન્ટ્રો ગાડીમાં હળવદ તરફથી મોરબી આવી રહ્યા હતા દરમિયાન જૂના ઘુટુ રોડ ઉપર આવેલ સોના સિરામિક પાસે વળાંકમાંથી તેઓની સેન્ટ્રો કાર પસાર થઈ રહી હતી દરમિયાન આરોપીએ વળાંકમાં બેફિકરાઇથી પોતાનું ટ્રક કન્ટેનર ચલાવ્યું હતું અને ટ્રકની પાછળના ભાગમાં રહેલ કન્ટેનર કાર ઉપર પડ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કારમાં બેઠેલ ચાર વ્યક્તિઓ પૈકી ફરિયાદીના ભાઈ મનસુખભાઈ અને તેના પત્ની મંજુબેનને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેનું મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદી તથા તેના પત્ની જયાબેનને ઇજાઓ થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









