મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
SHARE
મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો અને સમર્થકો દ્વારા કરવામાં આવતા પ્રચાર કાર્યમાં લાઉડ સ્પીકરના ઉપયોગને કારણે ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય અને જનસામાન્યની શાંતિમાં ખલેલ ન પહોંચે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર, કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી મેળવીને માત્ર સવારના ૦૮:૦૦ કલાકથી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જ કરી શકાશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ અથવા વાહન પર લાઉડ સ્પીકર મૂકતા પહેલા સંબંધિત તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળના સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લેવી અનિવાર્ય છે. વધુમાં, પરવાનગી મેળવ્યા બાદ તેનો ઉપયોગ કરતા પૂર્વે સંબંધિત પોલીસ મથક, ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. જો લેખિત પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે, તો વહીવટી તંત્ર દ્વારા સંબંધિત સાધનો અને ઉપકરણો જપ્ત કરવામાં આવશે. મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરેલા સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં અમલમાં રહેશે
બહારથી આવતા રાજકીય આગેવાનો માટે જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે જે કોઈ પણ પક્ષના આગેવાનો આવે તેઓએ મતદાનના ૪૮ કલાક પહેલા જિલ્લો છોડી દેવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને મતદાન પૂર્ણ થવાના સમયના ૪૮ કલાક પૂર્વે એટલે કે તા. ૨૪/૦૪/૨૦૨૬ના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાગુ થશે, જેની સાથે જ સંબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા તમામ બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ અને પ્રચારકોએ તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લાનો ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી દેવાનો રહેશે.