મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન
બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર
SHARE
બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર
સરકાર દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અનેકવિધ કાર્યક્રમ કરવામાં આવે છે તેવામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની રંગોળી, ડ્રોઈંગ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા હાજર રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સ્પર્ધામાં વિજેતા સહિત ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને સ્મૃતિચિહ્ન રૂપે ઘડિયાળ આપીને સન્માનિત કર્યા હતા.
દરેક બાળકમાં કોઈને કોઈ વિશેષ કૌશલ્ય અને પ્રતિભા છુપાયેલી હોય છે. જો તેને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તો તેની કારકિર્દી બની જતી હોય છે જેથી સરકાર દ્વારા બાળકો માટે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને આવા કાર્યક્રમોથી અભ્યાસમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓ પણ રમતગમત, કલા, વકૃત્વ કે પોતાના રસના અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરીને જીવનમાં આગળ વધી શકે છે. ત્યારે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની ત્રિવિધ સ્પર્ધાનું આયોજન સ્વામિ નારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન 2047 ના વિકસિત ભારતની પરિકલ્પના, નવી શિક્ષણ નીતિ અને પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિની પ્રેરણા સાથે બાળકોના સર્વાંગી વિકાસ, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવા રંગોળી, ડ્રોઈંગ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, વિચારશક્તિ અને વક્તૃત્વ કૌશલ્ય રજૂ કરવાની તક મળી હતી. ઉલેખનીય છે કે, રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓ સહિત ભાગ લેનાર તમામ બાળકોને સર્ટિફિકેટ અને ઘડિયાળ સ્મૃતિચિહ્ન રૂપે આપવામાં આવેલ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના રસ, રુચિ અને કૌશલ્યને ઓળખી તેમને આગળ વધવા માટે સરકાર દ્વારા જે પ્રેરણા અને જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડે છે તે પ્રયાસને આગેવાનોએ આવકાર્યો હતો.
અંતમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કાર્યક્રમમાં આવેલા લોકોને સંબોધતા કહ્યું હતું કે, દરેક બાળક ગણિત અને વિજ્ઞાન 100 માંથી 100 માર્ક લઈને નહીં આવે માટે વાલીઓએ પોતાના સંતાનોને જે વિષયમાં રસ અને રુચિ હોય તે વિષયમાં આગળ વધી શકે તેના માટે પ્રોત્સાહન આપવું જોઈએ તેવી ટકોર કરી હતી અને ખાસ કરીને માતા-પિતાએ બાળકોને સામે ખોટો ન બોલવું જોઈએ અને મોબાઈલ ફોનનો ઓછામાં ઓછો અને જરૂરિયાત મુજબનો ઉપયોગ કરવો જોઈએ તેવો અનુરોધ કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.









