પક્ષમાં ગણગણાટ: મોરબી જીલ્લામાં સીધી કે આડકતરી રીતે કોન્ટ્રાક્ટમાં જોડાયેલા ભાજપના લોકો પાસેથી લેવાઈ છે ટકાવારી !
SHARE









પક્ષમાં ગણગણાટ: મોરબી જીલ્લામાં સીધી કે આડકતરી રીતે કોન્ટ્રાક્ટમાં જોડાયેલા ભાજપના લોકો પાસેથી લેવાઈ છે ટકાવારી !
ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાતો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે તેમ છતાં પણ ભ્રષ્ટાચાર નાબૂદ થતો નથી કેમ કે, ભ્રષ્ટાચાર હવે સરકારી કચેરીઓમાં સિસ્ટમ બની ગયેલ છે જેના લીધે તેને નાબૂદ કરવો શક્ય જ નથી તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી છેલ્લા ઘણા દિવસોથી મોરબી નગરપાલિકાના પટાંગણમાં પાલિકાના મહિલા પ્રમુખના પતિ તેમજ પાલિકાની સમિતિના મહિલા ચેરમેનના પતિ વચ્ચે જે ટકાવારીની ચર્ચા કરતો વિડીયો વાઇરલ થયો છે તેને લઈને જિલ્લામાં ટકાવારી કાંડની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ભાજપના જ વર્તુળોમાં થતી ચર્ચા મુજબ વર્તમાન સમયમાં જેટલા પણ સરકારી કામો કરવામાં આવે છે તેમાં ભાજપના જ કેટલાક આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોન્ટ્રાક્ટમાં સીધી રીતે કે આડકતરી રીતે જોડાયેલા હોય છે અને તેમ છતાં પણ તેની પાસેથી પણ ટકાવારી વસૂલ કરવામાં આવતી હોવાના કારણે હાલમાં ટકાવારીનો મુદ્દો સમગ્ર મોરબી જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે
અગાઉ મોરબી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે વિરોધ પક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેઓ આક્ષેપ કરવામાં આવતો હતો જો કે તાજેતરમાં ભાજપ શાસિત મોરબી નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ અને મોરબી પાલિકાની સમિતિના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારીની ચર્ચા થતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી આ વીડિયોને લઈને રાજકીય પક્ષ દ્વારા કે પછી જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું નથી
ત્યારે રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ હાલમાં સત્તા ઉપર પાલિકામાં ભાજપ છે અને જે પણ સરકારી કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે તેમાં સીધી કે આડકતરી રીતે ભાજપના જ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો જોડાયેલા હોય છે અને તે લોકો પાસેથી પણ બિલમાં ટકાવારી લેવામાં આવતી હોય છે જેથી કરીને કામ રાખનારા કે પછી કરાવનારા લોકોમાં ક્યાંકને ક્યાંક કચવાટ જોવા મળી રહ્યો છે કારણ કે ઓનલાઈન ટેન્ડર મૂકવામાં આવે તેને બહારની એજન્સી દ્વારા ભરવામાં આવે છે જો કે, ત્યાર બાદ પેટામાં તે કામગીરી સ્થાનિક આગેવાનો દ્વારા રાખી લેવામાં આવતી હોય છે અને કામ કરવામાં આવે છે જો કે, બહારથી કામ કરવા માટે આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી ભ્રષ્ટાચાર નહીં પરંતુ સિસ્ટમના ભાગરૂપે ટકાવારી લેવામાં આવતી હોય તેવું અગાઉ જોવા અને સાંભળવા મળ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
જો કે, હાલમાં સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકો જ સીધી કે આડકતરી રીતે કોન્ટ્રાક્ટર બન્યા છે અને તેની પાસેથી પણ ક્યાંકને ક્યાંક ટકાવારી વસૂલવામાં આવી રહી છે જેથી ભાજપમાં આ મુદાને લઈને ગણગણાટ શરૂ થઈ ગયેલ છે ત્યારે જો પક્ષના નેતાઓ દ્વારા આ મુદ્દાને લઈને મનોમંથન નહીં કરવામાં આવે તો હાલમાં જે રીતે મોરબી પાલિકામાં વિડીયો વાઇરલ થયો છે આવી જ રીતે જિલ્લાની જુદીજુદી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી વિડીયો કે ઓડિયો વાઇરલ થશે તે નિર્વિવાદિત વાત છે અને જો પક્ષ સાથે જોડાયેલા લોકો જે સરકારી કામ રાખે છે તેની પાસેથી આવી જ રીતે ટકાવારી વસૂલ કરવાનું ચાલુ રાખવામા આવશે તો પક્ષ પ્રત્યે ધીમે ધીમે રે લોકોમાં અણગમો આવશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે
મોરબી પાલિકા સહિત જિલ્લાની જે કોઈ પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સરકારી કામોમાં ટકાવારી લેવામાં આવતી હોય તે ટકાવારીના કાંડ બંધ થાય તેના માટે સ્થાનિક નેતાગીરીએ ખાસ અભિયાન હાથ ઉપર લેવાની જરૂર છે તેમજ અધિકારીઓ કે, જેમને હાલમાં વાઇરલ થયેલ વિડીયો જોઈ લીધો છે તેમ છતાં તેઓ દ્વારા કેમ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ? તે અણીદાર સવાલ છે અને ક્યાંકને ક્યાંક અધિકારીઓ પણ ટકાવારીના કાંડમાં સંડોવાયેલા છે તેવું આ વિડીયો વાયરલ થયા પછી પણ પગલાં ન લેવામાં આવતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે વર્ષોથી જે પક્ષ માટે કામ કર્યું હોય તે સત્તા ઉપર હોય ત્યારે કોઈ સરકારી કામ કોઈ સ્થાનિક આગેવાન કે કાર્યકરે રાખ્યું હોય તો તે કામ વધુ સારું થાય તેવું કરવાના બદલે તેની પાસેથી પણ જો ટકાવારી લેવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે, પક્ષના લોકોમાં નારાજગી ફેલાશે અને ભવિષ્યમાં ડેમેજ થવાની પણ શક્યતાને નકારી શકાય તેમ નથી
