મોરબીમાં લિફ્ટ લેવા વાહન રોકાવીને યુવાન પાસેથી રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ કરનારા ત્રિપુટી પકડાઈ
SHARE
મોરબીમાં લિફ્ટ લેવા વાહન રોકાવીને યુવાન પાસેથી રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ કરનારા ત્રિપુટી પકડાઈ
મોરબીના જુના ઘૂટું રોડે આવેલ સીમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં બાઇક લઈને જઈ રહેલા યુવાનને રોકીને એક શખ્સે લિફ્ટ લીધી હતી અને ત્યાર બાદ બે શખ્સો ત્યાં આવ્યા હતા અને આ ત્રણેય શખ્સોએ મળીને યુવાનનું બાઈક ઉભું રખાવીને તેની પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ અને બાઈકની લૂંટ કરી હતી જેથી યુવાને ૨૬,૨૦૦ ના મુદ્દામાલની લૂંટ કરી હોવાની ફરિયાદ નોધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી નજીક આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતા હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (૪૪)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હરેશ, રવિ અને અજય નામના ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે હરેશ નામના વ્યક્તિએ પોતાને મોરબી આવવું છે તેવું કહીને ફરિયાદીના બાઈકમાં લિફ્ટ લીધી હતી અને ત્યારબાદ પાછળથી રવિ અને અજય નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તે બંને આરોપીએ ફરિયાદી યુવાનનું બાઈક ઉભું રખાવીને તેને ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદી યુવાનને પકડી રાખીને હરેશ નામના શખ્સે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૧૨૦૦, અન્ય કાગળ ભરેલું પાકીટ, ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ અને તેનું બાઈક નંબર જીજે ૩ એચ કે ૬૫૦૦ જેની કિંમત ૨૦૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૨૬૨૦૦ ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી અજય દેવાભાઈ સિહોરા જાતે કોળી (૧૯) રહે. થાનગઢ, રવિ ઉર્ફે રૈયો ભૂદરભાઈ પનારા (૨૩) રહે. નીચી માંડલ તાલુકો મોરબી અને હરેશ ઉર્ફે હની જીલાભાઈ સારલા જાતે કોળી (૨૫) રહે નળ ખંભા સારલા ફળી થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓની અટકાયત કરી છે અને રિમાન્ડ મેળવવા આગળની તજવીજ શરૂ કરેલ છે