મોરબીના વાવડી રોડ ઉપર વડીલો પાર્જીત જમીન બાબતે કાકા ઉપર ભત્રીજાએ કર્યો છરી વડે હુમલો : ગુનો નોંધાયો
SHARE
મોરબીના વાવડી રોડ ઉપર વડીલો પાર્જીત જમીન બાબતે કાકા ઉપર ભત્રીજાએ કર્યો છરી વડે હુમલો : ગુનો નોંધાયો
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ગુંગણ ગામના વૃદ્ધને ફોન કરીને શેરીના નાકે બોલાવ્યા બાદ ત્યાં તેઓની ઉપર વડીલો પાર્જીત જમીનના બાબતે બોલાચાલી ઝઘડો કરીને તેમના જ ભત્રીજા દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં વૃદ્ધને હોઠ, ગાલ તથા માથાના ભાગે ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.બાદમાં બનાવની પોલીસને જાણ થતા પોલીસ દ્વારા આ સંદર્ભે ભોગ બનનારની ફરિયાદ લઈને આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક શેરી નંબર-૩ માં રહેતા કરણસિંહ રવુભા જાડેજા જાતે દરબાર (ઉંમર વર્ષ ૬૩) ધંધો નિવૃત રહે.મીરા પાર્ક શેરી નંબર ૩ વાવડી રોડ મોરબી મુળ ગામ ગુંગણ વાળાની ઉપર તેમના જ ભત્રીજા વિક્રમસિંહ મીઠુભા જાડેજા રહે.નવલખી રોડ યમુનાનગર સોસાયટી મોરબી વાળાએ મીરા પાર્ક સોસાયટીના નાકે બહુચર પાન નજીક છરી વડે હુમલો કરતા કરણસિંહ જાડેજાને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ તપાસ માટે પહોંચ્યા હતાં અને બાદમાં ઇજાગ્રસ્ત કરણસિંહ જાડેજાની સારવાર કરવામાં આવ્યા બાદ તેઓએ તેમના ભત્રીજા વિક્રમસિંહ મીઠુંભા જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસને જણાવ્યું હતું કે વડીલો પાર્જીત જમીન બાબતે રોષ રાખીને ફોન કરી વાતચીત કરવી છે તેમ કહીને તેઓને બોલાવવામાં આવતા તેઓ તથા તેમનો પુત્ર યુવરાજસિંહ જાડેજા તેમના શેરીના નાકે આવેલ બહુચર પાન પાસે બેઠા હતા ત્યારે એક્ટિવા લઈને આવેલા વિક્રમસિંહએ ફરીયાદી કરણસિંહ તેમજ સાહેદ યુવરાજસિંહની સાથે વડીલો પાર્જીત જમીન બાબતે જપાજપી કરીને તેમજ ગાળાગાળી કરીને ઢીકાપાટુનો માર મારીને નીચે પછાડી દીધા બાદ પોતાના એક્ટીવામાંથી છરી કાઢીને ફરીયાદી કરણસિંહ ઉપર હુમલો કરતા તેમને હોઠ, ગાલ તેમજ માથામાં છરીના છરકા મારેલ તેમજ ભાગે સાહેદ યુવરાજસિંહને જમણાના હાથની પહેલી આંગળીમાં છરીનો છરકો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી કલેક્ટરના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ સબબ પોલીસ દ્રારા ભોગ બનેલ કરણસિંહની ફરીયાદ ઉપરથી વિક્રમસિંહ સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડીયા ચલાવી રહ્યા છે.
ભરતનગર પાસે અકસ્માત
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં પ્રેમ અજયભાઈ (ઉંમર ૩૦) અને વાલસિંગ મુકાભાઈ રાવત (ઉંમર ૨૫) રહે.બંને નવા સાદુરકા ગામની સીમમાં વિજયભાઈ લીંબાભાઈની વાડીએ વાળાઓને શરીરે નાની મોટી ઇજાઓ થતા ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના મનીષભાઈ બારૈયા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, બંને બાઈક લઈને જતા હતા ત્યારે ભરતનગર ગામ નજીક તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં બંનેને ઇજા થવાથી સારવારમાં ખસેડાયા હતા.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સેનેટરીના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા ગોવિંદભાઈ ઋષિકુમાર યાદવ નામના ૨૫ વર્ષીય પરપ્રાંતિય મજૂર યુવાનને સિમ્પોલો સેનેટરી નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલા હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટાફના જે.પી.પટેલ દ્વારા આ બાબતે આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલ છે.