મોરબીના લાતી પ્લોટ વિસ્તારની દુર્દશાને દૂર કરવા માટે કોંગ્રેસની વેપારીઓને સાથે રાખીને વાજતે-ગાજતે પાલિકામાં રજૂઆત
SHARE
મોરબીના લાતી પ્લોટ વિસ્તારની દુર્દશાને દૂર કરવા માટે કોંગ્રેસની વેપારીઓને સાથે રાખીને વાજતે-ગાજતે પાલિકામાં રજૂઆત
મોરબી નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓ દ્વારા ભરવામાં આવે છે તેમ છતાં પણ સૌથી વધુ ખરાબ અને નર્કાગાર સમાન પરિસ્થિતિ આજની તારીખે લાતી પ્લોટ વિસ્તારની છે અને આ વિસ્તારના વેપારીઓ દ્વારા એક કે બે નહીં પરંતુ અનેક વખત પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ લેશ માત્ર કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને વેપારીઓ દ્વારા આજે કોંગ્રેસની ટીમને સાથે રાખીને વાજતે ગાજતે પાલિકા કચેરી ખાતે જઈને ત્યાં અગાઉ કરેલી રજૂઆતોની નકલ સાથે વધુ એક વખત ત્યાંના ગટર, ગંદકી, કાદવ-કીચડ, રોડ રસ્તા સહિતના પ્રશ્નોને ઉકેલવા માટેની માંગ કરી છે.
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ વિકાસ ક્યાં અને કોનો થઈ રહ્યો છે તે લોકોને સમજાતું નથી કારણ કે, મોરબી શહેરની વાત કરીએ તો મોરબીમાં નગરપાલિકાની તિજોરીમાં સૌથી વધુ ટેક્સ લાતી પ્લોટ વિસ્તારમાંથી જમા કરાવવામાં આવે છે પરંતુ આજની તારીખે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સારા રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા પણ નથી. તે ઉપરાંત જો વાત કરીએ તો ગટરની ગંદકી, ચોમેર કચરાના ઢગલા, કાદવ કિચડ વગેરે જેવી જે સમસ્યાઓ છે તેનાથી સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને છેલ્લા વર્ષોમાં એક નહીં પરંતુ અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ વેપારીઓનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી જેથી કરીને વેપારીઓને ના છૂટકે ગંદકી અને કાદવ કિચનની વચ્ચે રહેવું પડે અને ઘણી વખત પોતાના કારખાના પણ બંધ રાખવા પડે તેવી આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે
તેવામાં મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની ટીમને સાથે રાખીને સ્થાનિક વેપારીઓ દ્વારા લાતી પ્લોટથી લઈને નગરપાલિકા કચેરી સુધી વાજતે ગાજતે પોથી યાત્રા યોજવામાં આવી હતી અને ત્યાં જઈને અગાઉ કરેલી રજૂઆતોની પોથી એક સાથે ચીફ ઓફિસરને આપવામાં આવી હતી અને અગાઉ કરેલી રજૂઆતોને ધ્યાને લઈને કોઈ કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને હવે આ તમામ રજૂઆતોને ધ્યાને લઈને વેપારીઓની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને કામ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે અને જો હવે કોઈ કામ નહીં કરવામાં આવે તો ના છૂટકે વેપારીઓને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.