મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ
SHARE
મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ
મોરબી શહેરમાં અસહાય, ગંગા સ્વરૂપ મહિલાઓ માટે એક નોખો, અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા આગામી તા. ૧૩-૨-૨૫ ના ગુરુવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરિયાવરમાં દીકરીઓને સોના ચાંદી સહીત ઢગલાબંધ વસ્તુઓ આપવામાં આવશે.
મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ તરફથી ૧૪ વર્ષથી વિવિધ સેવાકાર્ય શરૂ કરવામાં આવેલ છે. આ સેવાકાર્ય દેવકરણભાઈ આદ્રોજા અને શ્રી ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી શરૂ થયેલ. આ સેવાયજ્ઞ મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ૧૪ કેન્દ્રો દ્વારા ચાલી રહેલ છે. અને આ સેવાકાર્યોને મોરબી શહેરના ઉદ્યોગપતિઓ , વ્યાપારીઓ, લાયન્સ ક્લબના સભ્યો અને સમાજના દરેક સ્તરમાંથી ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે.આ સેવાયજ્ઞમાં સૌથી શિરમોર પ્રવૃત્તિ સમૂહલગ્નની છેલ્લા ૮ વર્ષથી શરૂ કરવામાં આવી છે, જેમાં અસહાય વિધવા મહિલાઓ, વિધુર અને સમાજના વંચિત વર્ગની દીકરીઓના પ્રતિ વર્ષ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દીકરીને અંદાજે રૂ. ૧ લાખની કિંમતની ઘરવખરી, કબાટ, પલંગ, ગાદલા, ઓશીકા, રસોડાની તમામ ચીજવસ્તુઓ, પાંચ સાડી, પાંચ ડ્રેસ, મેકઅપના શણગારના સાધનો સહિતની સહાય કરવામાં આવે છે. તથા દરેક યુગલ દીઠ ૬૦ વ્યક્તિઓ આ શુભ અવસરમાં લાભ લઇ શકે તે મુજબ ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
મોરબીના ઉમાઝ બ્યુટી પાર્લરના ઉમાબેન સૌમૈયા દ્વારા દરેક દીકરીઓને નિ:શુલ્ક દુલ્હનનો શણગાર સજી, તૈયાર કરી આપવામાં આવે છે. આ ૮ વર્ષોમાં ૨૮૫ થી વધારે દીકરીઓને શ્વસુરગૃહે વળાવવામાં આવી હોવાનું જણાવેલ છે.આગામી તા. ૧૩-૨-૨૫ ના ગુરુવારે આ મુજબના નવમાં સમૂહલગ્નનું આયોજન કરેલ છે.આ વર્ષે મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને લાયન્સ ક્લબના સભ્યો તરફથી કરિયાવર ઉપરાંત સોના ચાંદીના ઘરેણાઓ પણ આપવામાં આવશે.આ સમૂહલગ્નમાં જોડાવવાની ઈચ્છા હોય તેઓ વર કન્યાના ૨ ફોટા, બન્નેના જન્મતારીખના ઓરીજીનલ દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, માતા-પિતા તથા બ્રાહ્મણનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ચુટણી કાર્ડની ઝેરોક્ષ, કન્યાની બેંક પાસબૂકની ઝેરોક્ષ માતા-પિતાનો મરણ દાખલો લઇને આપેલ સંપર્ક નંબર ઉપર જાણ કરવી.
પ્રતિ માસ ૧૦૦૦ થી ૧૧૦૦ ગંગાસ્વરૂપ, અસહાય મહિલાઓને અનાજની કીટ આપવામાં આવે છે. જેમાં ૫ કિલોગ્રામ ઘઉં, ૧ કિલોગ્રામ ખીચડી, ૧ કિલોગ્રામ ખાંડ અને ૧ લીટર ખાદ્યતેલ સહિત અંદાજે રૂ. ૩૦૦ ની એક કીટ નિ:શુલ્ક આપવામાં આવે છે. જેમાં દાતાની ઈચ્છા અનુસાર વધારાની વસ્તુઓનો પણ ઉમેરો થાય છે.આ ઉપરાંત ગંગાસ્વરૂપ મહિલાઓને સાડી, દવાના બીલ, તેમના સંતાનોને પુસ્તક સહાય તથા સ્કોલરશીપ તથા તહેવારોમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે.ગંગાસ્વરૂપ અસહાય મહિલાઓને સ્વનિર્ભર થવા માટે, ગુજરાત સરકાર માન્ય સીલાઈકામનું શિક્ષણ આપવામાં આવે છે અને સિલાઈકામમાં ઉતીર્ણ થયા બાદ સિલાઈ મશીન આપી કાયમ માટે પગભર થઇ, સ્વાભિમાનપૂર્વક રોજીરોટી કમાઈ શકે છે. આજદિન સુધીમાં ૧૦૦ થી વધારે મહિલાઓને સ્વનિર્ભરતા અપાયેલ છે.આ સ્વા કાર્યમાં સહયોગ આપવા સાંઈ મંદિરના મહંત બાબુભાઈ (મો.૯૯૦૯૨ ૧૫૭૫૫), ટી.સી.ફૂલતરિયા (મો.૮૮૪૯૯ ૪૮૯૨૫), બાલુભાઈ કડીવર (મો.૯૯૭૯૮ ૯૧૨૧૭), રણછોડભાઈ કૈલા (મો.૯૮૨૫૮ ૦૮૨૮૨) અથવા ચંદ્રકાંત દફતરી (મો.૯૮૨૫૨ ૨૩૧૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.ફોર્મ મેળવવાનું અને પરત આપવા મોરબી સાંઈ મંદિર, રણછોડનગરના મહંત બાબુભાઈને મળવુ.ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા.૨૦-૧-૨૫ છે.