મોરબીમાં સિલાઈ કરાવવા જાઉં છું કહીને નીકળ્યા બાદ પરણીતા ગુમ
SHARE







મોરબીમાં 'સિલાઈ કરાવવા જાઉં છું' કહીને નીકળ્યા બાદ પરણીતા ગુમ
મોરબીના તાલુકાના અમરનગર ગામ પાસે આવેલ કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતા યુવાનના પત્ની ઘરેથી સિલાઈ કરાવવા માટે બહાર જાઉં છુ.તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં તેણી ગુમ થઈ ગયેલ હોય હાલ યુવાને તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને ગુમ થયેલ પરિણીતાને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે મૂળ ઓડિશાના અને હાલ મોરબી તાલુકાના અમરનગર ગામે આવેલ કોઝી સેનેટરીવેર્સ નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા દીવાકરભાઈ નિયાસીભાઈ પરિડા આદીવાસી (ઉમર ૩૧) એ જાહેર કર્યું હતું કે ગત તા.૨૮ મી ડિસેમ્બરના બપોરના ૩:૩૦ વાગ્યાના અરસામાં તેમના પત્ની નિયતિબેન દીવાકરભાઈ પરીડા (ઉમર ૨૩) ઘરેથી બહાર 'સિલાઈ કરાવવા માટે જાઉં છું.' તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં પરત આવેલ ન હોય ઘરમેળ શોધખોળ કરવામાં આવી હતી.છતાં પણ નિયતિબેનનો કોઈ અતોપતો લાગ્યો ન હોય હાલ પોલીસમાં જાણ કરવામા આવતા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી છે.જેની આગળની તપાસ તે બીટ વિસ્તારના જમાદાર સી.કે.પઢિયાર તથા રાઇટર અરવિંદભાઈ ગડેશીયા ચલાવી રહ્યા છે.આ બાબતે જો કોઈને કોઈ જાણકારી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે તેમ જણાવાયું છે.
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના ગીડચ ગામે રહેતા રણજીતભાઈ નારણભાઈ ગમારા (૨૧) નામના યુવાને તેના ઘરે દવા પી લીધી હતી.જેથી કરીને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા સ્ટાફના બળદેવભાઈ દેત્રોજાએ પ્રાથમિક તપાસ કરતા પારિવારિક બોલાચાલીના કારણોસર આવેશમાં આવીને તેણે આ પગલું ભરી લીધુ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.જ્યારે મોરબીના લાલપર ગામ પાસે રહેતા મેપાભાઇ પુનાભાઈ નાંગર નામના ૭૦ વર્ષના વૃદ્ધ બાઈકમાં જતા હતા ત્યારે મોરબીના રાજપર ગામ નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામ્યા હતા જેથી ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઇ જવાતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા સત્તાભાઈ બાલાભાઈ સુરેલા નામના ૭૯ વર્ષના વૃદ્ધ રફાળેશ્વર ગામ નજીક રિક્ષામાંથી પડી ગયા હતા જેથી ઇજા પામતા તેમને પણ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.
