મોરબીના રફાળેશ્વર પાસે રેલ્વે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન હડફેટે શરીર કપાઈ જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના ૩૬૩ વિદ્યાર્થીઓ આપી NMMS મોક ટેસ્ટ
SHARE







મોરબી તાલુકાના ૩૬૩ વિદ્યાર્થીઓ આપી NMMS મોક ટેસ્ટ
વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે અભિરૂચિ વધે અને પરીક્ષાનો ડર દૂર થાય તેવા ઉમદા આશયથી NMMS પરીક્ષાની તૈયારીના ભાગરૂપે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી,મોરબી દ્વારા બાળકોમાં સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યે અભિરુચિ કેળવાય તે માટે સતત પ્રયત્નો થતાં હોય છે, જે અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-મોરબીની કચેરી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-મોરબી શ્રી દિનેશભાઈ ગરચરના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકામાં અલગ અલગ ત્રણ કેન્દ્ર તાલુકા શાળા નં. ૧-મોરબી, જેતપર કન્યા તાલુકા શાળા અને આમરણ તાલુકા શાળા ખાતે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું.
મોરબી તાલુકાની શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને આ પ્રેક્ટીસ પરીક્ષા આપવા પ્રેરણા આપવામાં આવી. જેમાં મોરબી તાલુકાની શાળાના ધોરણ-૮માં અભ્યાસ કરતા NMMS પરીક્ષાનું ફોર્મ ભરનાર ૧૨૪૯ વિદ્યાર્થીમાંથી કુલ ૩૬૩ તેજસ્વી વિદ્યાર્થીઓએ આ મોક ટેસ્ટ આપી હતી. આ વિદ્યાર્થીઓને આ પરીક્ષાલક્ષી માહોલ મળે અને પૂરતી પ્રેક્ટીસ મળી રહે તે માટે ઉત્સાહી શિક્ષકોની ટીમે સમગ્ર આયોજન કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીઓને છેલ્લા એક માસથી દર શનિવાર અને રવિવાર શાળા સમય સિવાય NMMS પરીક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવતું હતું. જેમાં મોરબી તાલુકાના વિવિધ સ્થળો જેવા કે, તાલુકા શાળા નં.૨, આંબાવાડી તાલુકા શાળા, વિવેકાનંદ કન્યા શાળા, આમરણ તાલુકા શાળા અને જેતપર તાલુકા શાળા વગેરે સ્થળોએ સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ આ તેજસ્વી વિદ્યાર્થીઓને આ પરીક્ષાની તૈયારી કરાવી હતી. આ શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર વિદ્યાર્થીને આગામી ચાર વર્ષ સુધી વાર્ષિક ૧૨૦૦૦ જેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જે તેમને અભ્યાસમાં ખૂબ ઉપયોગી બની રહે છે.આ મોક ટેસ્ટ આપનાર વિદ્યાર્થીઓનું ટેક્નોલોજીની મદદથી પરિણામ તૈયાર કરવામાં આવશે અને દરેક વિદ્યાર્થીને ડીજીટલ પ્રમાણપત્ર પણ આપવામાં આવનાર છે. સમગ્ર પરીક્ષાનું સુચારુ આયોજન થાય તે માટે મોરબી તાલુકાના આચાર્યો અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
