મોરબીના કાશા કોયલી ગામે વાડીએ બેસવા આવેલા શખ્સોને ગાળો બોલવાની ના પાડતાં યુવાનને ચાર શખ્સોએ ઢીકાપાટુ-લાકડાના ધોકા વડે માર માર્યો
SHARE






મોરબીના કાશા કોયલી ગામે વાડીએ બેસવા આવેલા શખ્સોને ગાળો બોલવાની ના પાડતાં યુવાનને ચાર શખ્સોએ ઢીકાપાટુ-લાકડાના ધોકા વડે માર માર્યો
મોરબીના કાશા કોયલી ગામની સીમમાં ડેમની પાળ ઉપર આવેલ યુવાનની વાડીએ બેસવા માટે ચાર શખ્સો આવ્યા હતા અને ત્યારે ત્રણ વ્યક્તિઓને પૈસાની લેતી દેતી બાબતે ફોનમાં ગાળો બોલતા હતા જેથી ફરિયાદી યુવાને ગાળો બોલવાની ના પાડી હતી જેથી વાડીએ બેસવા આવેલા ચાર પૈકીના એક શખ્સને સારું ન લાગતા તેને ફરિયાદીને ગાળો આપીને પેટના ભાગે પાટુ મારીને ઇજા કરી હતી અને ત્યારબાદ આ શખ્સો જતાં રહ્યા હતા અને યુવાનને ડેમની પાળ પાસે બોલાવ્યો હતો જેથી યુવાન ત્યાં ગયો હતો ત્યારે તેને ચારેય શખ્સોએ ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રામગઢ કોયલી ગામે રહેતા મહેશભાઈ ગેલાભાઈ ડંડેચા (36)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિકાસભાઈ મૂળજીભાઈ રાણવા રહે. વિજયનગર મોરબી, અનિલભાઈ લાલજીભાઈ પરમાર રહે. હડમતીયા, ડેનિસ રાઠોડ અને મયુરસિંહ આ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કાશા કોઈલી ગામની સીમમાં ડેમની પાળ ઉપર આવેલ તેની વાડીએ બેસવા માટે ચારેય શખ્સો આવ્યા હતા ત્યારે અનિલભાઈ, ડેનિસ રાઠોડ અને મયુરસિંહ પૈસાની લેતી દેતી બાબતે ફોન ઉપર ગાળો બોલતા હતા જેથી ફરિયાદ યુવાને ગાળો બોલવાની ના પાડતા ડેનિશ રાઠોડને તે સારું લાગ્યું ન હતું અને તેણે ફરિયાદીને ગાળો આપી પેટના ભાગે પાટુ માર્યું હતું અને ત્યારે વિકાસભાઈ રાણવાએ ઝઘડો કરતા છૂટા પડાવ્યા હતા અને ત્યારબાદ ચારેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા અને વિકાસભાઈએ બાદમાં ફોન કરીને ડેમની પાળ ઉપર ફરિયાદી યુવાનને બોલાવતા તે ત્યાં ગયો હતો ત્યારે વિકાસભાઈએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય ત્રણ શખ્સોએ ફરિયાદીને પડખાના ભાગે, માથાના ભાગે, ડાબા પગના સાથળ ઉપર, વાસામાં, પીઠ ઉપર તથા જમણા હાથના ખભા ઉપર લાકડાના ધોકા વડે માર મારીને ઇજાઓ કરી હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ એમ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.


