મોરબીમાં ચોરાઉ પેટકોકના ધંધામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીની ધરપકડ
SHARE






મોરબીમાં ચોરાઉ પેટકોકના ધંધામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીની ધરપકડ
મોરબીના ગાળા ગામના પાટીયા પાસે થોડા સમય પહેલા ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે કંડલાથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતો પેટકોકનો જથ્થો મોરબી લઈ આવીને પેટકોકને ટ્રકમાંથી કાઢી લેવામાં આવતો હતો અને નબળી ગુણવતાનો કોલસો ટ્રકમાં મિક્સ કરતાં હતા જે ગુનામાં એસએમસીની ટીમે વધુ ત્રણ આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબીમાં ગત તા.8/12/24 ના રોજ ગાળા ગામના પાટીયા પાસે એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે પેટકોકની ગાડીઓને ગોડાઉનમાં લઈ આવીને તે ગાડીઓમાંથી પેટકોકની ચોરી કરવામાં આવતી હતી અને જે તે ટ્રકમાંથી કાઢવામાં આવેલ પેટકોકની સામે નબળી ગુણવતાનો કોલસો ભેળસેળ કરવામાં આવતો હતો આમ પેટકોકની ચોરી કરીને વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનારાઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી અને જે તે સમયે 12 આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ એક આરોપીની ધરપકડ કરી હતી.
જયારે એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 1584 ટન પેટકોક, વેસ્ટ કોલસો 500 ટન, રોકડ રૂપિયા 2,41,175, મોબાઇલ ફોન 17, ટ્રક ટ્રેલર- 2, હિટાચી મશીન-1, લોડર મશીન- 2 તેમજ 4 ફોર વ્હીલર્સ મળીને કુલ 3,57,13,175 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ ગુનામાં જે આરોપીઓને પકડવાના બાકી હતા તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં ત્રણ આરોપીઓ આગોતરા જામીન સાથે રજૂ થતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. આ કેસની તપાસ એસએમસીના પીએસઆઈ આર.કે. કરમટા કરી રહ્યા હોય આગોતરા જામીન સાથે આવેલ આરોપી ચિરાગભાઈ મણીભાઈ દુધાણી રહે. રાજકોટ, વિજયભાઈ ભીમશીભાઈ વાઘ રહે. મેંદરડા જિલ્લો જુનાગઢ અને દિલીપ ગાભાભાઇ પ્રજાપતિ રહે. ગાંધીધામ વાળા રજૂ થતાં તેની ધરપકડ કરીને જામીન મુક્ત કર્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં પકડવાના બાકી આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના લાલપર ગામ પાસે આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ દિલીપભાઈ મજેઠીયા (31) નામના યુવાનને ઓનેસ્ટ હોટલ પાસે સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી ટે યુવાનને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા વસંતબેન જયંતીલાલ રૂપાલા (57) નામના મહિલા બાઇકમાં બેસીને નાની વાવડી ગામથી મોરબી તરફ આવતા હતા દરમિયાન કબીરવાડી પાસે બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


