માળિયા તાલુકાના મેઘપર ગામ મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકીને રાજકોટ ખસેડાઇ
મોરબી ડ્રગ્સકાંડ : જોડિયાના આરોપીએ જામનગરમાં દાટેલ બે કિલો હેરોઇન કાઢી આપ્યું
SHARE







સ્થાનિક પોલીસને સાથે રાખી એટીએસની ટીમે રોઝી બંદર વિસ્તારમાં કરેલી કાર્યવાહી: વધુ આરોપીઓની સંડોવણીનો પર્દાફાશ કરવા મથામણ
મોરબી જિલ્લામાંથી ઝડપાયેલા રૂ.600 કરોડના ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલા જોડિયાના આરોપીઓએ ડ્રગ્સનો વધુ જથ્થો જામનગર પંથકમાં સંઘર્યો હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત આપતા આજે જામનગરની સ્થાનિક પોલીસ અને ગુજરાત એટીએસએ સહિયારું ઓપરેશન હાથ ધરી જમીનમાં દાટેલા રૂ.10 કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયા બાદ મોરબી જિલ્લાના નવલખી નજીકના ઝીંઝુડા ગામેથી એટીએસ દ્વારા 583.25 લાખની કિમતના 118.650 કિલો ડ્રગ્સ સાથે ત્રણ સખ્સોને દબોચી લેવાતા રાજ્યભરમાં ચકચાર મચી ગઇ હતી. એટીએસની ટિમ દ્વારા ગત તા.21/11/2021 ડ્રગ્સ કાંડમાં વધુ 4 આરોપીઓની અટક કરવામાં આવી હતી અને તેઓના રીમાન્ડ લેવા માટે કોર્ટમાં રજુ કરાયા હતા. આ દરમિયાન કોર્ટે આરોપીઓના 10 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
આરોપીઓની રીમાન્ડ દરમ્યાન પૂછપરછ કરતા આરોપી રહીમ હાજી અકબર (ઉ.વ. 35, રહે. મોટા વાસ, બંદર રોડ, જોડીયા) એ આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસ્સાભાઇ પટેલીયાની સાથે બોટ લઈ દરીયામાંથી હેરોઇનનો જથ્થો લાવ્યો હતો. જે જથ્થામાંથી અમુક હિસ્સો રહીમ હાજીએ પોતાની પાસે સંતાડી રાખ્યો હોવાનું જણાવ્યુ હતું. જે હકીકતને લઈને એ.ટી.એસ.ની ટીમે જામનગર ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખી આ રહીમ હાજીને સાથે લઈ જામનગરના બેડી રોડ ખાતેથી વધુ 2 કીલો હેરોઇનનો જથ્થો શોધી કાઢી તપાસાર્થે કબ્જે કર્યો છે, જેની કિંમત આશરે રૂ.10 કરોડની થાય છે. આ પ્રકરણમાં એટીએસની ટીમ દ્વારા 2 કિલો હેરોઇનનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.કરોડોના આ ડ્રગ્સકાંડમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ આરોપીની સંડોવણી સંદર્ભે સઘન તપાસ ચાલી રહી હોવાથી આ પ્રકરણમાં હજુ પણ નવા ફણગાં ફૂટે તેવી શક્યતા છે.
