મોરબીમાં મહિલાને વોટ્સેપમાં આવેલ મેસેજ ઓપન કરતાની સાથે જ બેંકમાંથી 5.50 લાખ ઉપાડી ગયા !
મોરબીના રવાપરના પૂર્વ સરપંચના પતિએ વ્યાજે લીધેલ 8 લાખની સામે 1.35 કરોડની પઠાણી ઉઘરાણી !: વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા વ્યાજખોરોએ કર્યો પ્રયાસ
SHARE
મોરબીના રવાપરના પૂર્વ સરપંચના પતિએ વ્યાજે લીધેલ 8 લાખની સામે 1.35 કરોડની પઠાણી ઉઘરાણી !: વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા વ્યાજખોરોએ કર્યો પ્રયાસ
મોરબીના રવાપર ગામના માજી મહિલા સરપંચના પતિને દીકરીના લગ્ન સમયે રૂપિયાની જરૂર હતી જેથી તેને હાથ ઉછીના 10 લાખ રૂપિયા લીધા હતા જે રૂપિયા પાછા આપવા માટે વ્યાજના ચક્રમાં ફસાયા હતા અને વ્યાજખોરો દ્વારા તેને આઠ લાખ રૂપિયા આપીને તેની પાસેથી વ્યાજ અને પેનલ્ટી સાથે 1.35 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવેલ હતી આટલું જ નહીં રાજકોટ ખાતે ઓફિસે ત્રણ કલાક સુધી બેસાડી રાખીને માજી મહિલા સરપંચના પતિ તેમજ તેના દીકરાને મારી નાખવાની ધમકી આપીને તેઓની વડીલોપાર્જિત જમીનનો સોદાખત કારવાઈ લીધેલ હતી જેથી મહિલા સરપંચના પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ તેને આપેલ અરજી આધારે પોલીસે હાલમાં વ્યાજખોરોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે બોની પાર્કમાં આવેલ સપના સૃષ્ટિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 402 માં રહેતા માજી મહિલા સરપંચના પતિ સંજયભાઈ ધરમશીભાઈ અઘારા (52)એ હાલમાં રમેશભાઈ દેવાભાઈ બોરીચા રહે. રવાપર તથા મોહિતભાઈ રામભાઈ આગરીયા રહે. રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, બે વર્ષ પહેલાં તેની દિકરી શ્રદ્ધાના લગ્ન હતા ત્યારે ફરિયાદીને રૂપિયાની જરૂર હતી જેથી ફરિયાદી તેના એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ નરસીભાઈ કાલાવાડીયા પાસેથી હાથ ઉછીના દસ લાખ રૂપિયા લીધેલા હતા જે રૂપિયા આઠ મહિના પછી તેઓએ પરત માંગ્યા હતા જો કે, ફરિયાદી પાસે પૈસા હતા નહિ અને તે રમેશભાઈ દેવાભાઈ બોરીચા રવાપરમાં જ રહેતા હતા જેથી તેને જાણતા હોય તેનો સંપર્ક થયો હતો અને તેની પાસેથી રૂપિયા માંગ્યા હતા ત્યારે તેને “હું રૂપિયા આપું પણ તમારે વ્યાજ આપવું પડશે” તેવું કહ્યું હતું.
ત્યાર બાદ ફરિયાદને રમેશભાઈ બોરીચા પોતાની કારમાં રાજકોટના ભગવતીપારા વિસ્તારમાં મોહિતભાઈ રામભાઈ આગરીયાને ત્યાં લઈ ગયા હતા અને ત્યારે મોહિતભાઈએ વ્યાજ વિષેની કોઈ વાત કર્યા વગર અત્યારે પૈસા લઈ જાઓ પછી હિસાબ કરશું તેવું કહ્યું હતું અને તે સમયે રોકડા પાંચ લાખ રૂપિયા આપેલ હતા. ત્યારબાદ એક મહિના પછી રમેશભાઈએ ફરિયાદીને કહ્યું કે, મોહિતભાઈએ હિસાબ કરવા માટે રાજકોટ બોલાવ્યા છે.જેથી ફરિયાદી રમેશભાઈની સાથે રાજકોટ ગયા હતા અને ત્યાં વ્યાજ અને પેનલ્ટી વિશે મોહિતભાઈએ વાત કરી હતી.જો કે, ત્યાર ફરિયાદીએ રૂપિયા હાલ આપી શકશે નહીં તેવું કહેતા મોહિતભાઈએ તેઓના બેન્ક એકાઉન્ટમાં ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યાર બાદ ફરિયાદી તથા રમેશભાઈ પરત મોરબી આવ્યા હતા.
ગત તા. 16/5/2024 ના રોજ સવારે 9:00 વાગ્યામાં રમેશભાઈએ ફોન કરીને ફરિયાદીને તેના ઘરે બોલાવ્યા હતા જેથી ફરિયાદીએ તેના દીકરા તીર્થને આ બાબતની વાત કરી હતી અને તે રમેશભાઈના ઘરે ગયા હતા ત્યારે રમેશભાઈએ કહ્યું હતું કે તમે લીધેલા રૂપિયા નું વ્યાજ અને પેનલ્ટી ગણીને 1.35 કરોડ રૂપિયા દેવાના થાય છે. અને તે રૂપિયા તમારે આપવા પડશે અને જો તું રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાખશુ તેવી ધમકી આપેલ હતી. અને ફરિયાદીને પોતાની કારમાં બેસાડીને મોહિતભાઈની ઓફિસે લઈ જઈને ત્યાં બે થી ત્રણ કલાક સુધી બેસાડી રાખીને ધમકાવીને કહ્યું હતું કે તે લીધેલ આઠ લાખ રૂપિયાનું વ્યાજ તથા પેનલ્ટી સહિત તારે 1.35 કરોડ દેવાના છે અને જો રૂપિયા નહીં આપે તો તને અને તારા દીકરાને જાનથી મારી નાખશું તેવી ધમકી આપેલ હતી.
ત્યારબાદ બંને આરોપીઓએ ફરિયાદીને તેની વડીલોપાર્જિત જમીનમાં તેનો હક્ક હિસ્સો હોય તેનું લખાણ કરી આપવા માટે કહ્યું હતું જે લખાણ કરી આપવાની ફરિયાદીએ ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી પાસેથી તેનો ફોટો અને આધાર કાર્ડ મેળવી લઈને ફરિયાદીની સંયુક્ત માલીકીની જમીનમાં તેના ભાગનો જે હિસ્સો હોય તેનો સોદાખત રાજકોટના કોઈ વકીલની ઓફિસે લઈ જઇને નોટરી લખાણ તૈયાર કરાવ્યુ હતું અને તે વાંચવ્યા વગર જ તેમાં ફરિયાદીની સહી લેવામાં આવી હતી અને માત્ર આઠ લાખની સામે વ્યાજ અને પેનલ્ટી ગણીને 1.35 કરોડ પડાવવા માટે થઈને ફરિયાદીનું મોરબીથી રમેશભાઈ બોરીચાએ તેની ગાડીમાં અપહરણ કર્યું હતું અને ફરિયાદીની રવાપર ગામે સર્વે નંબર 18 પૈકી 3 વાળી સંયુક્ત ખાતાની કરોડોની સ્થાવર મિલકત જમીનનું સોદાખત કરાવી લીધેલ હતું અને ચાર મહિના સુધી કશું જ કર્યું નહીં અને ત્યાર બાદ મિલકતનો ખોટી રીતે કોર્ટમાં દાવો કરીને ફરિયાદીને નોટિસ આપી હતી.
જેથી ફરિયાદીએ આ અંગેની તેની પત્ની, પિતા અને ભાઈને વાત કરી હતી અને આપઘાત કરવા માટે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને બાદમાં તેના કુટુંબીઓએ આશ્વાસન આપતા આ બાબતે આધેડે અરજી કરેલ હતી અને અરજીની તપાસ ચાલી રહી હતી તેવામાં સામેવાળાને તેની જાણ થતા ફરિયાદીને દસ લાખ રૂપિયા આપી દો અમો તમારી જમીનનો સોદાખત કેન્સલ કરી નાખશુ તેવી વાત કરી હતી જેથી 3 લાખ રૂપિયાનો ચેક અને રોકડા 7,00,000 મોહિતભાઈને આપતા મોહિતભાઈ નોટરી લખાણ કરી આપેલું હતું પરંતુ હવે ફરિયાદ નહીં થાય તેવું સમજીને રમેશભાઈ અને મોહિતભાઈએ ફરિયાદી દ્વારા મુદ્દલ રકમ ચૂકવાઇ ગઇ હોવા છતાં કરોડોની જમીન હડપ કરી લેવાની પેરવી કરવામાં આવી હતી જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.









