મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ ઉજવાશે
ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં લોકોએ આપ્યો 19.51 લાખનો ફાળો
SHARE







ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં લોકોએ આપ્યો 19.51 લાખનો ફાળો
આધુનિક યુગમાં નાટયકલા વિસરાઈ રહી છે ત્યારે મોરબી જિલ્લાના જુદાજુદા ગામોમાં ગૌશાળાના લાભાર્થે ગામના યુવાનો દ્વારા નાટક કરવામાં આવે છે જેમાં લોકો છૂટા હાથે દાન આપે છે અને ગૌસેવાના કામમાં સહકાર આપે છે ત્યારે ટંકારા તાલુકાનાં વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો નાટક જવા માટે આવ્યા હતા અને ગૌસેવાના કામ માટે લોકોએ 19.51 લાખનો ફાળો આપ્યો હતો.
નવરાત્રીથી દિવાળી સુધી મોરબી જિલ્લાના જુદાજુદા ગામોમાં ગૌશાળાના લાભાર્થે ગામના યુવાનો દ્વારા નાટકના આયોજન કરવામાં આવે છે અને જુદાજુદા ઐતિહાસિક નાટકોમાં ગામના જ યુવાનો જુદાજુદા પાત્રો ભજવતા હોય છે. ટંકારાના વિરપર ગામે ગૌસેવક મિત્ર મંડળ દ્વારા કામધેનુ ગૌ આશ્રમ શરૂ કરવામા આવેલ છે. ત્યાં આશ્રિત લુલી લંગડી અને નધણીયાતા ગૌધનને રાખીને તેનો નિભાવ ગામના યુવાનો દ્વારા કરવામાં આવે છે આ ગૌવંશ માટે દર વર્ષે નવરાત્રી દરમિયાન નાટકનું આયોજન કરવામાં આવે છે જેમાં દાતાઓ વરસી જતાં હોય છે અને લાખોનું ભંડોળ ગૌસેવા માટે એક જ નાટકથી મળે છે.
વીરપર ગામે ગૌસેવાના લાભાર્થે ઐતિહાસિક નાટક રા' માડલીક યાને રા ગંગાજડિયો અને સાથે પેટ પકડીને હસાવતુ કોમીક માલીવ-મતવાલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો આવ્યા હતા અને આ બંને નાટકમાં કોઈ કલાકાર નહીં પરંતુ ગામના જ યુવાનોએ તમામ પાત્રો ભજવીને પોતાની કલાના જોરે દર્શકોને આનંદ કરાવ્યો હતો જેથી નાટક જોવા માટે આવેલા ઉદ્યોગકારોથી લઈને સામાન્ય નાગરિક સુધીના તમામ લોકોએ સ્વૈચ્છિક રીતે ગૌસેવા માટે દાન આપ્યું હતું જેથી કરીને એક જ રાતમાં કુલ 19.51 લાખનો ફાળો એકત્રિત થયો હતો. જે સંપૂર્ણ રકમને ગૌશાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.
ઉલેખનીય છેકે, આ ગૌશાળામાં 155 જેટલી લુલી લંગડી અને નધણીયાતી ગાયો સહિત નાના મોટા જીવ આશ્રય લઈ રહ્યા છે. અને ગૌસેવા માટે કદી ક્યાંય હાથ લંબાવ્યા વગર વર્ષમા એક વખત નવરાત્રી દરમિયાન નાટક યોજવામાં આવે છે જેના માટે ગામના યુવાનો કામધંધા છોડી એકાદ માસ સુધી પાત્રના રિહર્સલ કરીને નાટકની તૈયારી કરે છે. અને ત્યાર બાદ લોકોની સમક્ષ નાટક રજૂ કરે છે. મોરબી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ગૌશાળા ચાલે છે. તેના નિભાવ માટે નાટકો કરવામાં આવે છે જેમાં આવેલ ભંડોળનો ઉપયોગ ગાયોના ઘાસચારા માટે કરવામાં આવે છે.
