વ્યાજે લીધેલી એક લાખ સામે આઠ લાખ માંગવામાં આવતા મોરબીમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
SHARE
વ્યાજે લીધેલી એક લાખ સામે આઠ લાખ માંગવામાં આવતા મોરબીમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા કારખાના પાસે રાજકોટના યુવાને ફિનાઇલ તેમજ એસિડ એકીસાથે પી લેતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં યુવાને રાજકોટમાં કોઇ ઇસમની પાસેથી રૂપિયા એક લાખ જેવી રકમ વ્યાજે લીધી હોય અને તે રકમ તેમજ વ્યાજ મળી આઠ લાખની ઉઘરાણી કરવામા આવતી હોય અને ઉઘરાણી કરનાર ઈસમ યુવાનના પિતા પાસે જતાં પિતાનો ફોન આવવાથી લાગી આવતા રાજકોટના યુવાને મોરબી નજીક ફિનાઇલયુકત એસિડ પી લેતાં તેને હાલ સારવારમાં ખસેડાયો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના રહેવાસી અલ્તાફ સલીમભાઇ મલેક નામના ૩૦ વર્ષીય યુવાને મોરબી નજીક રાજકોટ હાઇવે ઉપર અજંતા કારખાના પાસે ફિનાઇલ તેમજ એસિડ પી લીધું હોય તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન ખુલ્યું હતું કે અલ્તાફ મલેક કારના ભંગારનો ધંધો કરે છે તેને રાજકોટના કોઈ આરીફ બાપુના નામના ઇસમની પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા અને તેના રકમ તેમજ તેનું વ્યાજ સહિત રૂપિયા આઠ લાખની ઉઘરાણી કરવામા આવતી હોય અને તે હાલ કામ સબબ મોરબી તરફ આવ્યો હતો ત્યારે તેના પિતાએ તેને ફોન કરીને આરીફબાપુ ઉઘરાણી માટે આવ્યા છે તેમ જણાવ્યું હતું જેથી મનોમન લાગી આવતા અલ્તાફ મલેક નામના રાજકોટના યુવાને એસિડ પી લીધું હતું અને હાલ તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો છે.પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસેના એકસલ સીરામીકની સામે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં આશરે પચ્ચીસેક વર્ષીય અજાણ્યા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને ૧૦૮ વડે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે પ્રાથમિક સારવાર આપીને હાલત ગંભીર જણાતા અજાણ્યા યુવાને હાલ રાજકોટ ખસેડાયો છે.બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે સુરેન્દ્રનગરનો રહેવાસી વિનોદભાઈ ઝીણાભાઈ નામનો ૨૨ વર્ષીય યુવાન મોરબીના હળવદ રોડ ઉપરથી બાઈકમાં જતો હતો ત્યારે ઉંચીમાંડલ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત વિનોદભાઈને સારવાર માટે ખસેડાયો છે. તેમજ જોધપર નદી ગામના રહેવાસી મનસુખભાઈ લાલજીભાઈ ઝિંઝુવાડીયા નામના ૪૯ વર્ષીય આધેડે લાલપર પાસેથી જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપરના સોનેક્ષ સિરામિક નજીક અજાણ્યા બાઇક ચાલકે તેઓની સાયકલને હડફેટે લેતા મનસુખભાઈને ઇજાઓ થતાં તેઓને પણ સારવાર માટે ખસેડાયા હતા.