માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ તૂટી પડ્યાના એક સપ્તાહ પછી પણ હજુ દોષિત કોણ ?: મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર !


SHARE













મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ તૂટી પડ્યાના એક સપ્તાહ પછી પણ હજુ દોષિત કોણ ?: મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર !

સૌરાષ્ટ્રના પેરિસનું મોરબીને ઉપનામ મળ્યું તેમાં અહીંયા રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ ઐતિહાસિક કહી શકાય તેવી ઇમારતો ખૂબ જ મહત્વની હતી અને તે પૈકીનો ઝુલતો પુલ કે જે એક સપ્તાહ પહેલા સાંજના સમયે તૂટી પડ્યો હતો અને ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા પરિવારોમાંથી ૧૩૫ લોકોના મૃત્યુ નીપજ્યા હતા આ ઘટનાના સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં પણ પડઘા પડ્યા હતા અને ઘટનાની ગંભીરતાને સમજીને સીએમ અને પીએમ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, અફસોસની વાત એ છે કે આજે એક સપ્તાહ પછી પણ આ દુર્ઘટના પાછળ દોષિત કોણ તે સવાલ હજુ ઉભો છે અને મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તે ક્યારે પકડાશે અને મૃતકોના પરિવારજનોને સાચો ન્યાય ક્યારે મળશે તે સમયે જ બતાવશે

મોરબીની આન, બાન અને શાન સમાન કહી શકાય તેવો ઐતિહાસિક ઝુલતો પુલ કે જેની માલિકી મોરબી નગરપાલિકાની હતી અને તેનું સંચાલન ઓરેવા ગ્રુપને ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાર કરીને સોંપી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પુલના રીપેરીંગ કામ માટે આ પુલને છ મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો અને નવા વર્ષના પહેલા દિવસથી જ રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે છઠના દિવસે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ઝૂલતા પુલનો દરબારગઢ બાજુનો જે ભાગ હતો ત્યાંથી જુલતો પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો.

જેથી કરીને આ પુલ ઉપર પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે આવેલા માસુમ બાળકો, સગર્ભા મહિલા, યુવકો, યુવતીઓ, વૃદ્ધો સહિતના પુલના કાટમાળ સાથે સીધા જ નદીમાં પટકાયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે અને પથ્થર ઉપર માથા અથડાવાના કારણે ઘટના સ્થળે છે કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. પરંતુ આ ઘટનાની જાણ થતાની સાથે જ તરવૈયાઓ અને સેવાભાવી યુવાનો સહિતના જે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા તેના કારણે કેટલીક જિંદગીઓને બચાવી શકાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જોકે સરકારી મશીનરી આવી ત્યાં સુધીમાં તો મોટાભાગની કામગીરી સ્વયંકો અને તરવૈયાઓ પૂર્ણ કરી નાખી હતી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને આજે મોરબી પહેલાની જેમ ફરી પાછું ધબકતું થઈ ગયું છે જોકે જુલતાપુલની આસપાસમાં તેમજ મચ્છુ નદીના પટમાં હવે ચીર સન્નાટો જોવા મળી રહ્યો છે

જુલતો પુલ તૂટી પડવાના બનાવને આજે એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ તેમજ મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્યારબાદ મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સીના કુલ મળીને નવ કર્મચારીઓની ધરપકડ કરી હતી અને તે પૈકીનાં ચાર આરોપીઓના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ કરી મહત્વના દસ્તાવેજી પુરાવો એકત્રિત કરવામાં આવ્યા છે જોકે હજુ સુધી એ નિશ્ચિત નથી થયું કે આ પુલ તૂટી પડવા માટે દોષિત કોણ ?, બેદરકાર કોણ ?, મુખ્ય આરોપી કોણ ? આઠ દિવસ પછી પણ હજુ આરોપી સુધી પોલીસ પહોંચી નથી ? એક બાજુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા જ્ઞાતિ, સમાજ, સંગઠન અને ગામ દ્વારા જે ૧૩૫ લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા તેને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને કેન્ડલ માર્ચ, પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે જે લોકોએ ઝુલતા પુલ નીચે પડવાના કારણે તેમજ ગટરના ગંદા પાણીમાં રીબાઇ રિબાઈને પોતાના જીવ દીધા છે આ ઝુલતાપુલના હતભાગીઓના પરિવારજનોને ન્યાય ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે

જુલતાપુલ તૂટી પડવાની ગણતરીની કલાકોમાં જે તે સમયના મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા કે, પુલ ચાલુ કરવામાં આવ્યો તેની જાણ કરવામાં આવી નથી અને પુલ માટે થઈને ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવ્યું નથી વિગેરે વિગેરે જે વાતો કરવામાં આવી હતી તેનો તે જ ચીફ ઓફિસરની હાજરીમાં થયેલ કરારમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તે પણ હકીકત છે અને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની પાસેથી કરારને લગતા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ તપાસની અધિકારી દ્વારા કબજે કરવામાં આવ્યા છે જોકે વર્ષ ૨૦૦૭ અને ૨૦૨૨ માં ઓરેવા ગ્રુપ સાથે બે વખત ઝુલતા પુલ માટે થઈને કરાર કરવામાં આવ્યા છે અને આ બંને કરારમાં કલેકટર પણ ક્યાંકને ક્યાંક મધ્યસ્થી છે જેથી કરીને જુલતાપુલ દુર્ઘટનાના બેદરકારો સુધી પોલીસ ખરેખર પહોંચશે કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યો છે છેલ્લે જે કરાર કરવામાં આવ્યો છે જેની કોપી હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે અને તેમાં કરારની છેલ્લી કોલમમાં લખેલું છે કે કલેક્ટર, ચીફ ઓફિસર અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. કંપની આમ ત્રણેય પક્ષકારોની સહમતિથી કરાર કરવામાં આવ્યો છે તો જવાબદારી આ ત્રણેયની થાય કે કેમ તે મુદે કોઈ કશું જ બોલવા માટે તૈયાર નથી આ હક્કિત છે






Latest News