મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડ લક્ષ્મીનગર ગામે દૂધ લેવા માટે જતા હતા ત્યારે તેઓના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું આ બનાવમાં મૃતકના દીકરાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના સામાકાંઠે આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રહેતા અને દૂધનો ધંધો કરતા કિરણભાઈ નરસીભાઈ ભોજાણી જાતે પટેલ (૫૦) શનિવારે વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં તેઓના ઘરેથી તેઓ દૂધનો ધંધો કરતા હોય દૂધ લેવા માટે લક્ષ્મીનગર ગામ બાજુ જતા હતા ત્યારે લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે માળિયા હાઇવે ઉપર આવેલ બસ સ્ટેશન નજીક તેઓના બાઇક નંબર જીજે ૩ એફએલ ૧૫૪૫ ને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું. જેથી ઘટના સ્થળે જ કિરણભાઈ નરસીભાઈ ભોજાણીનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા નીલ કિરણભાઈ ભોજાણી (૨૨) એ ટ્રક નંબર જીજે ૧૨ એયું ૫૮૦૧ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે