ગળાકાપ હરીફાઈમાં પહેલો ઘા રાણાનો: મોરબીમાં પ્રોપેન ગેસની ભાવ ઘટાડામાં સાઈડ કાપતો નેચરલ ગેસ
SHARE
ગળાકાપ હરીફાઈમાં પહેલો ઘા રાણાનો: મોરબીમાં પ્રોપેન ગેસની ભાવ ઘટાડામાં સાઈડ કાપતો નેચરલ ગેસ
મોરબીની આસપાસમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગમાં સસ્તો ગેસ સપ્લાય કરવા માટે તેને હાલમાં ગેસ કંપનીઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે જેનો સીધો લાભ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મળી રહ્યો છે સામાન્ય રીતે દર મહિનાની પહેલી અને ૧૫ મી તારીખે ગેસના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવતો હોય છે અને આગામી પહેલી તારીખથી પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા હતી તેવામાં “પહેલો ઘા રાણા નો” કહેવત મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા ગઈકાલે નેચરલ ગેસમાં પાંચ રૂપિયાનો ભાવ ઘટાડો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે જેથી કરીને આજની તારીખે પ્રોપેન ગેસ કરતા નેચરલ ગેસ સસ્તો પડી રહ્યો છે માટે ગુજરાત ગેસ કંપની પાસેથી ગેસ મેળવવા ઉદ્યોગકારો દ્વારા એગ્રીમેન્ટ કરવામાં આવે તો પ્રોપેન ગેસનો વપરાશ ઘટે અને ગુજરાત ગેસને સીધો ફાયદો થાય તે માટે એડવાન્સમાં ગેસના ભાવમાં ઘટાડો થયો છે તેની જાહેરાત કરવામાં આવી હોવાનું ઉદ્યોગકારોમાં ચર્ચા રહ્યું છે
મોરબીની આસપાસના વિસ્તારમાં ૮૦૦ જેટલા સિરામિકના કારખાનામાં આવેલા છે જેમાં બનતી સિરામિક પ્રોડક્ટને મોરબીથી દેશના દરેક ખૂણામાં તથા વિદેશ મોકલવામાં આવે છે અને દિવસેને દિવસે સીરામીક ઉદ્યોગમાં પણ ગળાકાપ હરીફાઈ વચ્ચે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનતું જાય છે ત્યારે કોઈપણ રીતે સીરામીક પ્રોડક્ટની પડતર કિંમત નીચી લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે પરંતુ સિરામિક પ્રોડક્ટના ઉત્પાદનમાં સૌથી વધુ હિસ્સો ઇંધણનો હોય છે અને હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ઇંધણ તરીકે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જોકે, અગાઉ માત્ર નેચરલ ગેસ એક જ વિકલ્પ હતો જેથી તેના ભાવ આસમાને પહોંચી ગયા હતા પરંતુ છેલ્લા વર્ષોથી સિરામિક ઉદ્યોગકારો દ્વારા પોતાના કારખાનામાં અંદાજે ૮૦ લાખથી ૧ કરોડ સુધીનો ખર્ચો કરીને પ્રોપેન ગેસના વિકલ્પને શરૂ કરવામાં આવેલ છે જેથી ઉદ્યોગકારો નેચરલ ગેસ અથવા તો પ્રોપેન ગેસ બે માંથી જે ગેસ સસ્તો પડતો હોય તેનો ઉપયોગ કરીને પોતાના કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય છે આમ ગેસ કંપનીઓ વચ્ચે ચાલતી હરિફાઇનો સીધો લાભ હવે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મળી રહ્યો છે
સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે સામાન્ય રીતે ગુજરાત ગેસ કંપની અને પ્રોપેન ગેસ દ્વારા જે ગેસની સપ્લાય કરવામાં આવે છે તેના ભાવ ઇન્ટરનેશનલ બજાર સાથે વધઘટ થતા હોય છે જેથી કરીને દર મહિનાની પહેલી અને ૧૫ મી તારીખે તેના ભાવમાં ફેરફાર થતો હોય છે આગામી પહેલી તારીખથી પ્રોપેન ગેસના ભાવમાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા છે ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા ગઈકાલે મૂડી સાંજે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પત્ર લખીને ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાની જાણ કરવામાં આવેલ છે એટલે કે હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ૪૫.૯૧ રૂપિયાના ભાવથી જે ગેસ સપ્લાઈ કરે છે તે આગામી પહેલી તારીખથી ૪૦.૪૨ ના ભાવથી મળશે અને તેના ઉપર ટેક્સ અલગથી ચૂકવવાનો રહેશે જો કે, ઉદ્યોગકાર ગેસ કંપની સાથે ત્રણ માસનો એગ્રીમેન્ટ કરે તો ટેક્સ સાથે ૪૨ નો ભાવ ચૂકવવાનો થશે અને જો એક મહિનાનો એગ્રીમેન્ટ કરે તો તેને ૪૩.૫૦ નો ભાવ ચુકવવો પડશે તેવું જાણવા મળી રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોપેન ગેસનો વિકલ્પ મોરબીના ઉદ્યોગકારો પાસે ન હતો ત્યારે વારંવાર ગુજરાત ગેસ કંપનીને એડવાન્સમાં ભાવ વધારા કે ઘટાડાની જાણ કરવા માટે મોરબી સિરામિક એસોસિયેશન અને અહીંના ઉદ્યોગકારો દ્વારા કહેવામાં આવતું હતું તેમ છતાં પણ તેને ધ્યાનમાં લેવામાં આવતું ન હતું પરંતુ હવે ઉદ્યોગકારો પાસે સસ્તા ગેસ માટે થઈને વિકલ્પ ખુલ્લો હોવાથી ગુજરાત ગેસ કંપની દ્વારા આગામી પહેલી તારીખ પહેલા ભાવ ઘટાડા અંગેની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને જે ઉદ્યોગકારો પોતાના કારખાનામાં નેચરલ ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા ઈચ્છતા હોય તે એડવાન્સમાં જ ગુજરાત ગેસ કંપની સાથે એક મહિનો કે ત્રણ મહિનાનો કરાર કરીને ગેસ મેળવી શકે છે જોકે, વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ પ્રોપેન ગેસના ભાવમાં પણ આગામી પહેલી તારીખથી ઘટાડો થવાની શક્યતા છે અને તેનો ભાવ પણ ગુજરાત ગેસના ભાવની આસપાસ રહે તો નવાઈ નથી હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પાંચ રૂપિયાનો ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેથી મોરબીના ઉદ્યોગકારોને બજારમાં ટકી રહેવા માટે ગેસ કંપની અને ગુજરાત સરકાર તરફથી મોટી હૂંફ મળી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી જોકે, હજુ પણ ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતા હોવાનું ઉદ્યોગકારોમાં ચર્ચા રહ્યું છે ત્યારે ગુજરાત ગેસ કંપની અને પ્રોપેન ગેસ વચ્ચે ગેસની સપ્લાય કરવા માટે થઈને જે હરીફાઈ ચાલી રહી છે તેનો આગામી સમયમાં મોરબીના ઉદ્યોગકારોને કેવો લાભ મળે છે તે તો સમય જ બતાવશે