મોરબીના નીચી માંડલ પાસે કારખાના નજીક યુવાનને માર મારતા યુવાનનું મોત: હત્યાનો ગુનો નોંધાઈ તેવા સંકેત
વિશ્વ વસ્તી દિવસ: કુટુંબ નિયોજનની મદદથી માતા અને બાળ મૃત્યુદર, કુપોષણ જેવી બાબતો સામે લડી શકાય
SHARE
વિશ્વ વસ્તી દિવસ: કુટુંબ નિયોજનની મદદથી માતા અને બાળ મૃત્યુદર, કુપોષણ જેવી બાબતો સામે લડી શકાય
કોઇ પણ દેશની વસ્તી સામાન્યરૂપે તે દેશ માટે હ્યુમન રિસોર્સ હોય છે. પરંતુ એના માટે પણ એક મર્યાદિત સંખ્યા આંકવામાં આવતી હોય છે. જ્યારે વસ્તી તેની સીમાને પાર કરે ત્યારે તે દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓનું સર્જન થાય છે. તેમજ દેશનો વિકાસ પણ અવરોધાય છે. ત્યારે વધતી જતી જનસંખ્યાને કાબૂમાં લાવવા માટે વિશ્વભરમાં ૧૧ જુલાઇએ વિશ્વ જનસંખ્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
યુનાઇટેડ નેશન (United Nations) દ્વારા ૧૧ જુલાઇ, ૧૯૮૯ની એક સામાન્ય સભામાં વિશ્વમાં વધી રહેલ લોકોની સંખ્યા પ્રત્યે લોકજાગૃતિ લાવવા માટે વિશ્વ સ્તરે વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વસ્તી વધારાને કારણે દેશને અને કુટુંબને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ પડકારને પહોંચી વળવા માટે આપણે એક સંકલ્પ લેવો જોઈએ અને એ છે, ‘કુટુંબ નિયોજનનો સંકલ્પ’. તમે બધાએ સાંભળ્યુ જ હશે ‘નાનો પરિવાર સુખી પરિવાર’. માટે ‘કુટુંબ નિયોજન’ની મદદથી વસ્તીને કાબુમાં લાવી માતા અને બાળ મૃત્યુદર, કુપોષણ, એનેમીયા વગેરે જેવી બાબતો સામે લડી શકાય છે. તથા એક અથવા બે બાળકોને કારણે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે, તેને પુરતુ અને યોગ્ય શિક્ષણ મળી રહે છે ઉપરાંત તેનો શારીરિક અને માનસિક વિકાસ સુદ્રઢ બને છે. સાથોસાથ કુટુંબની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.
કુટુંબ નિયોજન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં દંપતીઓની કુટુંબ કલ્યાણની કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ જેવી કે પુરૂષ નસબંધી, સ્ત્રી નસબંધી, કોપર-ટી(પીપીઆઇયુસીડી), ગર્ભનિરોધક ગોળીઓ, ઇમરજન્સી પીલ, છાયા, અંતરા, નિરોધ વગેરે દ્વારા અનિચ્છનીય ગર્ભાધારણ રોકી 'નાનું કુટુંબ-સુખી કુટુંબ'ના લક્ષ્યને સાધી શકાય છે. પુરુષ નસબંધીમાં લાભાર્થીની રૂ.૨૦૦૦ની સહાય જ્યારે પ્રસુતીબાદ ૭ દિવસમાં જ કાયમી નસબંધી કરતી સ્ત્રીને રૂ.૨૨૦૦ અને પોતાના અનુકુળતા મુજબ નસબંધી કરાવતી સ્ત્રીને રૂ.૧૪૦૦ની સહાય મળે છે. કુટુંબ નિયોજનની કોઈપણ સેવાના લાભ કે વધુ જાણકારી માટે ગામના નર્સબેન, આશાબહેન, આંગણવાડી વર્કર, નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરી યોજનાનો લાભ લઈને દેશની વસ્તીને નિયંત્રીત કરવા ચાલો આજે સૌ સંક્લ્પ લઈએ ‘કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશુ’