માળીયા (મી) નજીક જીવલેણ અકસ્માત: ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ટ્રકનું વ્હીલ ફરી વળતાં લોકિકેથી પરત આવતા બે પૈકીનાં એક મિત્રનું મોત
SHARE
માળીયા (મી) નજીક જીવલેણ અકસ્માત: ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ટ્રકનું વ્હીલ ફરી વળતાં લોકિકેથી પરત આવતા બે પૈકીનાં એક મિત્રનું મોત
માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલની સામે પેટ્રોલ પંપની બાજુમાંથી કચ્છ તરફથી ડબલ સવારી બાઈકમાં બે મિત્રો મોરબી બાજુ આવી રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ત્યારબાદ પાછળથી આવી રહેલ ટ્રક ચાલકે તેના ટ્રકના તોતિંગ ટાયર એક યુવાન ઉપર ફેરવી દેતા તેનું ઇજાઓ થવાના કારણે મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામે ધર્મભૂમિ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વાલજીભાઈ પડાયા જાતે વણકર (36)એ હાલમાં ટ્રક નંબર જીજે 12 એઝેડ 5956 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કચ્છ મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલની સામે પેટ્રોલ પંપની બાજુમાંથી તેઓ કચ્છ તરફથી મોરબી બાજુ આવી રહ્યા હતા અને ત્યારે તેનો મિત્ર સંજય અંબારામભાઈ સોલંકી (37) રહે. નીચી માંડલ ગામ તાલુકો મોરબી વાળો બાઈક નંબર જીજે 36 એજી 1138 ચલાવતો હતો
દરમ્યાન સંજયભાઈએ બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રસ્તા ઉપર બાઈક સ્લીપ થઈ ગયું હતું અને ત્યારે પાછળના ભાગમાં આવી રહેલા ટ્રક નંબર જીજે 12 એઝેડ 5956 ના ચાલકે સંજયભાઈના શરીર ઉપરથી ટ્રકના ટાયર ફેરવી દેતા સંજયભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં સુરેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ફરિયાદી સુરેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છના આડેસર પાસે આવેલ ખાંડેલ ગામે રહેતા તેના મિત્રના માતા પિતાનું થોડા સમય પહેલા અવસાન થયેલ હોય તે બંને ત્યાં લોકિકે ગયા હતા અને ત્યાંથી તે બંને પરત આવી રહ્યા હતા દરમિયાન અકસ્માતનો આ બનાવ બન્યો છે જેમાં સંજયભાઈને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નિપજ્યું હતું.
મહિલા સારવારમાં
મોરબીના શનાળા-કંડલા બાયપાસ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અંજનાબેન નરેન્દ્રભાઈ ચાડમીયા નામના 54 વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી તેઓ બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે રસ્તામાં તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી ગયા હતા જે બનાવમાં તેમને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા હાલ આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ છે.
આધેડ સારવારમાં
મોરબીના રહેવાસી વિરેન્દ્રભાઈ મગનભાઈ કગથરા નામના 64 વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા અહિંની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ મોરબીના નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસેથી વાહનમાં જતા હતા ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેમને ઇજાઓ થઈ હતી.જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
પતિએ માર મારતા સારવારમાં
મોરબીના જોધાણીની વાડી વિસ્તાર પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા વર્ષાબેન રામજીભાઈ ચાવડા નામના 35 વર્ષીય મહિલાને તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ મારામારીના કારણ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.