મોરબી : બે વર્ષ જુના દારૂના કેસમાં LCB એ આરોપીને ઝડપી પાડ્યો
SHARE
મોરબી : બે વર્ષ જુના દારૂના કેસમાં LCB એ આરોપીને ઝડપી પાડ્યો
મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે મુકેશ પીરારામ વખતારામ ગોદારા બીશ્નોઇ રહે.દાતા ગામ તા.જી.સાચોર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022 માં એલસીબી દ્વારા એક જ દિવસે બે જુદી જુદી જગ્યાઓએ રેડ કરવામાં આવી હતી.જેમાં શનાળા ગામ પાસે દારૂનું ગોડાઉન પકડવામાં આવ્યુ હતુ અને તે દારૂના કેસમાં મુકેશ બીશ્નોઇ છેલ્લા બે વર્ષથી ફરાર હતો અને તે ઉપરાંત મોરબીના પીપળી રોડ ઉપર પણ દારૂનું ગોડાઉન પકડાયુ હતુ.તે બનાવમાં પણ તે નાસતો ફરતો હતો.દરમિયાનમાં મળેલ બાતમીને આધારે હાલ મુકેશ પીરારામ ગોદારા જાતે બીશ્નોઇ નામના બુટલેગરની બંને ગુનામાં એલસીબી દ્વારા ધરપકડ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મહીલા-યુવાન સારવારમાં
મોરબીના પીપળી ગામ નજીક આવેલ શીવગંગા સોસાયટી ખોડીયાર પ્રોવીઝન પાસે બાઈક સ્લીપ થતા ઈજા થતા જીયા કારૂભાઈ ભીખુભાઈ (ઉ.વ.૪૮) ને ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાતા તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકીએ નોંધ કરીને તપાસ કરી હતી.તેમજ અન્ય એક બનાવમાં મોરબીના જેતપર ગામેથી સાપર જતા સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઇ જતા સુરેશભાઈ હરજીવનભાઈ વડગાસીયા (ઉ.વ.૪૫) ને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાતા તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી જેથી સ્ટાફના વી.એસ.ડાંગરને તપાસ સોંપતા તેઓએ નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે સેવા સદનના ગેઇટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં રવિરાજ નાનજીભાઈ સનિયારીયા (ઉમર ૩૦) રહે કાલીકા પ્લોટ મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી.જેથી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસને જાણ થતા સ્ટાફના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.
ફિનાઈલ પી જતા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં ઘરે ફિનાઇલ પી લેતા જ્યોત્સનાબેન વિકીભાઈ પંડ્યા નામની વીસ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેમની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના અશોકભાઈ સારદિયા દ્વારા બનાવના કારણ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.