હળવદમાં લાભ કોમ્પલેક્ષની સામે બાવળની જાળીમાં 12 બોટલ દારૂ-77 બીયરના ટીન ઝડપાયા, બુટલેગરની શોધખોળ
મોરબીના મકનસર પાસે ટ્રક સાથે ટ્રક અથડાતાં એક યુવાનનું મોત
SHARE









મોરબીના મકનસર પાસે ટ્રક સાથે ટ્રક અથડાતાં એક યુવાનનું મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે રોંગ સાઈડમાં ટ્રક લઈને આવી રહેલા યુવાને સામેથી આવતા ટ્રકની સાથે તેનો વહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો. અને તેમાં રોંગ સાઈડમાં ટ્રક લઈને આવી રહેલા યુવાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં પોલીસે ટ્રક ચાલકની ફરિયાદ લઈને મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા થિરૂમાલારાવ વેંકટેશ્વરરાવ ધનીસેટી (21) નામના યુવાને હાલમાં શૈલેન્દ્રકુમાર રામપાસવાન રાય જાતે યાદવ (28) રહે. હાલ મુન્દ્રા મૂળ રહે. છપરા બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર મકનસર ગામ પાસે પોલીસ હેડ ક્વાર્ટરના ગેટની સામેથી મોરબી બાજુથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આરોપી તેના હવાલા વાળો ટ્રક નં. જીજે 12 બીએક્સ 9600 રોંગ સાઈડમાં પૂર ઝડપે લઈને આવી રહ્યો હતો. ત્યારે ફરિયાદીના ટ્રક નં. એપી 39 યુયુ 8679 ની સાથે સામેથી ટ્રક અથડાવ્યો હતો. જે અકસ્માતના બનાવમાં શૈલેન્દ્રકુમારને ડાબા પગના નળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતકની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
બાઇક સ્લીપ
મોરબીના નાનીવાવડી ગામે રહેતો વિવેક ઉમેશભાઈ સોલંકી (37) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે સંતકબીર આશ્રમ પાસે તેના બાઈકની આડે ખુટિયો ઉતરતા તેની સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યા તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી
ઝેરી જીવજંતુ કરડી ગયું
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ તાલ સીરામીક ખાતે મૂળ દાહોદના માંડવી દેનપુરના રહેવાસી સંજય લાલુભાઇ તડવી (24) નામના યુવાનને કામગીરી દરમિયાન ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી.પટેલ દ્વારા કરવામાં આવી હતી
