મોરબીના લાલપર ગામ પાસે કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જતા ઈજા પામેલ યુવાન સારવારમાં
નવલખી બંદરેથી કોલસાની ચોરીના કૌભાંડમાં બે વાહન માલિકોની ધરપકડ
SHARE
નવલખી બંદરેથી કોલસાની ચોરીના કૌભાંડમાં બે વાહન માલિકોની ધરપકડ
નવલખી બંદર ઉપર આવતા કોલસાના જથ્થામાંથી ૮૦ મેટ્રિક ટન કોલસો જેની કિંમત અંદાજે ૪ લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ટ્રકમાં ભરીને લેવાં આવ્યો હતો. જેની શ્રીજી શિપિંગ કંપનીના સ્ટાફને જાણ થતાની સાથે જ સાઇટ ઉપર સ્ટાફ આવ્યો હતો. ત્યારે જુદા જુદા બે ટ્રકમાં ભરેલ કોલસો ત્યાં જ છોડીને તેના ડ્રાઈવરો ભાગી ગયા હતા જેથી ટ્રકના ડ્રાઈવરો, ટ્રકોના માલિકો અને શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવી આપનાર સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે હાલમાં બંને ટ્રકના માલિકોની ધરપકડ કરેલ છે. અને તે બંન્ને આરોપી હાલમાં રીમાન્ડ ઉપર છે
નવલખી બંદર ઉપર આવતા ઇંડોનેશિયાથી કોલસનો મોટો જથ્થો આવે છે જેમાંથી યેન કેન પ્રકારે કોલસાની ચોરી કરવામાં આવે છે અથવા તો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ટ્રકમાં કોલસો ભરીને લઈ જવામાં આવે છે આવી જ રીતે પોણા બે મહિના પહેલા નવલખી પોર્ટ ઉપર શ્રીજી શિપિંગ કંપનીની બનાવટી લોડીંગ સ્લીપના આધારે એન્ટ્રી પાસ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને બે ટ્રકમાં કુલ મળીને ૮૦ મેટ્રિક ટન કોલસો જેની કિંમત ૪ લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. જો કે, તેની જાણ સ્ટાફને થઈ જતાં સ્ટાફ સાઇટ ઉપર આવે ત્યાં ટ્રકના ચાલકો તેના વાહન છોડીને નાશી ગયા હતા.
જે મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ અક્ષર એપાર્ટમેન્ટ બ્લોકમાં રહેતા ઉદયભાઇ દામોદરભાઈ લાલ જાતે લોહાણા (૫૦) એ હાલમાં ટ્રક નં જીજે ૩૬ વી ૩૮૩૮૮ ના ડ્રાઈવર તેમજ માલિક તથા ટ્રક નંબર જીજે ૩૬ ટી ૬૭૦૦ ના ડ્રાઈવર તથા માલિક તેમજ શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં પોલીસે અગાઉ બંને ટ્રકના ડ્રાઈવર કેતન ગુણવંતભાઈ વ્યાસ અને સુરેશભાઇ રામજીભાઇ સરવૈયાની ધરપકડ કરી હતી. જે ગુનામાં હવે બંન્ને ટ્રકના માલિકોને પકડવામાં આવેલ છે.
આ કેસની તપાસ કરી રહેલા અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં પોલીસે બંને ટ્રકના માલિક મયુરસિંહ રણજીતસિંહ જાડેજા અને મયુરસિંહ વેલુભા જાડેજા રહે બંને મોટા દહીસરા વાળાની ધરપકડ કરેલ છે અને તે બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી આ બંને આરોપીઓના તા.૬ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોય પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ શરૂ કરી છે. અને આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે ?, આટલું જ નહીં પરંતુ આ રીતે ચોરી કરીને મેળવેલ કોલસાનો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો ? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરાશે.