મોરબીના મકાનમાં હપ્તા અને ઘર ખર્ચ માટે આંગડિયા પેઢીના 12 લાખ રૂપિયા વાપરી નાખીને ગુમ થઇ ગયેલ કર્મચારી યુવાન હેમખેમ મળ્યો
SHARE









મોરબીના મકાનમાં હપ્તા અને ઘર ખર્ચ માટે આંગડિયા પેઢીના 12 લાખ રૂપિયા વાપરી નાખીને ગુમ થઇ ગયેલ કર્મચારી યુવાન હેમખેમ મળ્યો
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ આંગડિયા પેઢીમાં કામ કરતો અને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતો યુવાન અચાનક ગુમ થઈ ગયો હતો જેથી કરીને તેની પત્નીએ ગુમ સુધા ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે પોલીસ તથા પરિવારજનો તેને શોધવા માટે તજવીજ કરી રહ્યા હતા દરમિયાન આ યુવાન અમદાવાદ નજીકથી તેના માસીના દીકરાના ઘરેથી હેમખેમ મળી આવ્યો છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેને મકાનના હપ્તા અને ઘર ખર્ચ માટે થઈને આંગડિયા પેઢીમાંથી સમયાંતરે 12 લાખ રૂપિયા જેટલી રકમ લઇને વાપરી નાખેલ હોય તે પૈસા પરત કરવાની ચિંતામાં તે પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો તેવું સામે આવ્યું છે.
વર્ષો પહેલા વડવાઓ કહેતા કે "પછેડી હોય તેવી સોળ તાંણવી જોઈએ" જો કે વર્તમાન સમયમાં દેણા કરીને પણ ઘી પીવાવાળા જોવા મળતા હોય છે. આવો જ ઘાટ મોરબીની અંદર જોવા મળેલ છે જેમાં મૂળ મહેસાણાના બોદલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા ભાવેશભાઈ ચંદુલાલ પટેલ (42) નામનો યુવાન ગત તા 27/7 થી રાજકોટ જવાનું કહીને ગુમ થઈ ગયો હતો.
જેથી કરીને તે ગુમ થયેલા યુવાનના પત્ની આશાબેન ભાવેશભાઈ પટેલ દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ગુમ સુધા ફરિયાદ આપવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી દરમિયાન આ યુવાન હાલમાં અમદાવાદ પાસે તેના માસીના દીકરા અંકિતભાઈના ઘરેથી હેમખેમ મળી આવેલ છે જેથી કરીને પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ભાવેશભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ ધરતી ટાવરમાં આંગડિયા પેઢીના કર્મચારી તરીકે કામ કરતા હતા અને ઘર ખર્ચ માટે તથા મકાનના હપ્તા ભરવા માટે પૈસાની જરૂર હતી ત્યારે તેણે આંગડિયા પેઢીમાંથી સમયાંતરે 12 લાખ જેટલી રકમ લઈને તે વાપરી નાખેલ હતી જે રકમ આંગડિયા પેઢીમાં પરત કેવી રીતે જમા કરાવી તેના ટેન્શનમાં તે પોતે પોતાની જાતે પોતાના ઘરેથી ચાલ્યા ગયો હતો.તે તેમના માસીના દીકરાના ઘરે ગયો હોય ત્યાથી હેમખેમ મળી આવેલ છે.
જોકે હાલમાં યુવાન હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધેલ છે પરંતુ આવક કરતા અનેક ઘણાં ખર્ચા કરીને દેણા કરવામાં આવે છે અને ત્યારબાદ તે દેણા ભરવા માટે તેને વ્યાજના ચક્રમાં ફસાતા હોય છે આવી અનેક ઘટનાઓ સામે આવે છે તેમ છતાં પણ તેમાંથી લોકો બોધ નથી લેતા એવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.
