માળીયા (મી)ના અસરગ્રસ્ત વિસ્તારોની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી
માળીયા (મી)ના સરવડ ગામની આસપાસ 5,000 એકર જમીનમાં ખેડૂતોએ વાવણી કરેલ પાક ભારે વરસાદના પાણીના લીધે નિષ્ફળ
SHARE
માળીયા (મી)ના સરવડ ગામની આસપાસ 5,000 એકર જમીનમાં ખેડૂતોએ વાવણી કરેલ પાક ભારે વરસાદના પાણીના લીધે નિષ્ફળ
માળીયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામની આસપાસમાં 5000 એકર જમીનમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના ખેતરની અંદર એકાદ ફૂટ જેટલું પાણી હાલમાં પણ જોવા મળી રહ્યું છે ત્યારે તેમના ખેતરમાં ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતોને એક રાતી પાઈની કમાણી આ ચોમાસુ પાકમાંથી થાય તેવી કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી.
સામાન્ય રીતે ચોમાસુ પાક લેવા માટે તેને ખેડૂતો દ્વારા ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે અને લોહી-પાણી એક કરીને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાંથી ઉપજ લેવા માટે થઈને મહેનત કરવામાં આવતી હોય છે જોકે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે અથવા તો વરસાદ ન પડે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાની સહન કરવી પડતી હોય છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામની આસપાસમાં 5000 એકર જમીનમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના જુદા જુદા ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ ગામના ખેડુતોએ જે પાકનુ વાવેતર કર્યુ હતુ તે પાક 40 થી 50 ટકા જેટલા તૈયાર થઈ ગયા હતા અને વધુ વરસાદના લીધે મોટુ નુકશાન થયેલ છે ત્યારે સરવડ ગામના આગેવાન મગનભાઇ પટેલે જણાવેલ છે કે, છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના ખેતરમાં અડધાથી લઈને એક ફૂટ જેટલા પાણી ભરાઈ રહ્યા હોય ખેડૂતોના પાક ઉપર વરસાદી પાણી ફરી વળવાના કારણે તેમનો પાક નાશ પામ્યો છે.
વધુમાં ગામના ખેડૂતો આગેવાન ધનજીભાઈ સરડવા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે તેઓના ગામની આસપાસમાં સિંચાઈ માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ ગામના ખેડૂતોને નથી તો કોઈ ડેમનું પાણી મળતું કે નથી કેનાલની કોઈ વ્યવસ્થા જેથી આ ગામના ખેડૂતો દ્વારા ચોમાસુ આધારિત ખેતી કરવામાં આવે છે અને તેમાં પણ ચોમાસામાં પડેલા સતત વરસાદના કારણે તેઓનો પાક બળી ગયો છે અને આ વર્ષે ખેડૂતોને તેમના ખેતરમાંથી એક રાતીપાઇની કમાણી થઈ શકે તેમ નથી જેથી કરીને સરકાર દ્વારા સમયસર નુકસાનીનો સર્વે કરાવીને પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી લાગણીને માંગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.