મોરબીમાં લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવેઃ બ્રિજેશભાઇ મેરજા
મોરબીના આલાપ પાર્કમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સત્કાર સમારોહ યોજાયો
SHARE
મોરબીના આલાપ પાર્કમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સત્કાર સમારોહ યોજાયો
મોરબીની આલાપ પાર્ક, ખોડીયારનગર,પટેલ નગર સોસાયટી દ્વારા મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાનું અહીંના સ્થાનિક રહીશો દ્વારા સ્વાગત સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ ઢોલ નગારાના નાદ સાથે વાજતે ગાજતે ફટાકડાની જોરદાર આતશબાજી સાથે મંત્રીનું સ્વાગત કરી નાની દીકરીઓએ સામૈયા સાથે મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્ર બ્રિજેશભાઈ મેરજાનું મોમેન્ટો, સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતુ. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, આ મારૂ સન્માન નથી પરંતુ આ આપ સૌ નગરજનોનું સન્માન છે. હું તમને ખાતરી આપું છું કે હું ક્યારેય એવું કામ નહીં કરુ કે જેનાથી તમને લજ્જિત થવું પડે. મોરબીને અનેરી ઊંચાઇ પર લઇ જવામાં સતત પ્રયત્નશીલ રહીશ. મંત્રી મંડળમાં મળેલ જવાબદારીના યશના ભાગીદાર આપ સૌ છો જેનો હું કાયમ માટે ઋણી રહીશ આ કાર્યક્રમમાં પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયાએ મોરબીના ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળવાથી હવે મોરબી જિલ્લામાં વિકાસકામોને વધુ વેગ મળશે તેવો સુર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક કોર્પોરેટર નિમિષાબેન ભીમાણી, અગ્રણી જિગ્નેશભાઇ કૈલાએ પણ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરેશભાઇ દેસાઇ, કે.કે. પરમાર, જયરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ઉધરેજા, કિશોરભાઇ ભાલોડીયા, વિસ્તારના તમામ કોર્પોરેટર, વિવિધ સોસાયટીના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આલાપ યુવા ગ્રૂપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.