મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર
મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર
SHARE
મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર
ડ્રોન દીદી યોજના સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વકાંક્ષી પહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવી કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો છે. ત્યારે મોરબીના મનિષાબેન રાંકજા કે, જેમણે વધારે પુરુષ જ જોડાય એવા વ્યવસાયમાં જોડાઈ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ સાથે સરકારની આ ડ્રોન દીદી યોજનાને સાર્થક બનાવી રહ્યા છે.
મોરબીના બગથળા ગામના વતની ડ્રોન દીદી મનિષાબેન રાંકજા જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ માટે ડ્રોન દીદી નામની એક મહત્વની યોજના બનાવી છે, જે યોજના હેઠળ ડ્રોન દીદી તરીકે લાભ મળ્યો છે. મને સરકાર દ્વારા વડોદરા ખાતે ૧૨ દિવસની ડ્રોન ઓપરેટ કરવાની નિશુલ્ક તાલીમ આપવામાં આવી હતી, જ્યાં ટ્રાન્સપોર્ટેશન, રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે તાલીમ બાદની પરીક્ષામાં ઉત્તિર્ણ થતા મને સરકાર દ્વારા સાત લાખ કિંમતની ડ્રોન સિસ્ટમ વિનામૂલ્ય આપવામાં આવી હતી. હાલ આ ડ્રોનથી હું ખેતરોમાં દવા છંટકાવ કરું છું, જે ડ્રોનથી પાક માટેના દુશ્મન કીટકોનો સરળતાથી નાશ થઈ જાય છે. આ ડ્રોનથી દવા છંટકાવવા માટે મને પ્રતિ એકરે ૪૦૦ રૂપિયા મળે છે, જેથી મહિને દસથી બાર હજારની આવક સરળતાથી મળી રહે છે. સરકાર દ્વારા મહિલાઓ માટે આ ખૂબ સારી યોજના બનાવી છે જે માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે ડ્રોન દીદી યોજના અંતર્ગત મહત્વની પહેલ કરવામાં આવી છે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની સાથે મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવ્યું છે. આ યોજના હેઠળ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે ઉપરાંત મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ યોજના થકી મહિલાઓને નવી કુશળતા શીખવા અને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની તક મળે છે જેથી મહિલાઓ પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે. ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના જીવન ધોરણમાં ક્રાંતિકારી સુધારો લાવવા માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.