મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરીને મારી નાખવાના ગુનામાં 11 આરોપીઓની ધરપકડ
મોરબીમાં પ્રેસ આઇ કાર્ડ વેચાણનો ધીકતો ધંધો, એક કે બે નહી ૬૦૦ લોકોને ત્રણથી આઠ હજાર રૂપિયા લઇને કાર્ડ વેચ્યા !, પોલીસ તપાસમાં ધડાકો
SHARE
મોરબીમાં પ્રેસ આઇ કાર્ડ વેચાણનો ધીકતો ધંધો, એક કે બે નહી ૬૦૦ લોકોને ત્રણથી આઠ હજાર રૂપિયા લઇને કાર્ડ વેચ્યા !, પોલીસ તપાસમાં ધડાકો
મોરબી સહિત ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાં પ્રેસના આઈ કાર્ડ રૂપિયા લઈને આપવામાં આવે છે તેવી વાતો તો ઘણી જ્ગ્યાએથી સામે આવતી હોય છે જો કે, મોરબીમાં પેટ્રોલપંપના ખોટા સમાચાર બનાવીને ખોટી અરજી કરવામાં આવી હતી અને ત્યાર બાદ સમાધાન માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી છે અને આ પકડાયેલા શખ્સો દ્વારા મોરબી શહેરી વિસ્તારમાં 600 જેટલા લોકોને પ્રેસના આઈ કાર્ડ 3000 થી લઈને 8000 રૂપિયા લઈને આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને હાલમાં આ ત્રણેય શખ્સો પોલીસ રીમાન્ડ ઉપર છે.
મોરબીમાં થોડા સમય પહેલા પેટ્રોલપંપ ધારકને વેંચતું પ્રેસ કાર્ડ આપીને તેને રિન્યૂ કરાવી લેવા માટે થઈને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તે પ્રેસ કાર્ડને રિન્યૂ કરાવવાની પેટ્રોલપંપ ધારકે ના પડતાં પેટ્રોલપંપ ધારકને બદનામ કરવા માટે પંપનો વિડીયો બનાવેલ હતો અને પોલીસમાં ખોટા આક્ષેપો સાથે અરજી કરી હતી અને પંપનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો જેને ડિલીટ કરીને સમાધાન કરવા માટે પેટ્રોલપંપના ધારકના પિતા પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેની મોરબીમાં આવેલ શીવમ પાર્ક સોસાયટીમાં રહેતા પેટ્રોલ પંપ ધારક કૃષીતભાઇ મંગળજીભાઈ સુવાગીયાએ મોરબી બી ડિવિઝન ખાતે જયદેવ બુધ્ધભટ્ટી, મયુર બુધ્ધભટ્ટી અને રાધેશ બુધ્ધભટ્ટી રહે. બધા હાલ મોરબી વાળની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી જે આરોપીઓ હાલમાં બે દિવસના રિમાન્ડ ઉપર છે.
ફરિયાદી તેની ફરિયાદમાં જણાવ્યુ હતું કે ત્રાજપર ચોકડી પાસે નાયરા કંપનીનો પેટ્રોલ પંપ આવેલ છે અને વર્ષ 2013 માં રાધેશ બુધ્ધભટ્ટી તેના પેટ્રોલ પંપે આવેલ હતો અને પ્રેસ કાર્ડ હોય તો ધંધામાં લાભ થશે અને ટોલટેક્સ આપવાનો રહેશે નહીં તેવી વાતો કરીને 4000 રૂપિયા લઈને પ્રેસ કાર્ડ કાઢી આપેલ હતી અને ત્યાર બાદ બીજા વર્ષે પ્રેસ કાર્ડના રિન્યૂ માટે 3,000 રૂપિયા લીધા હતા ત્યાર બાદ પ્રેસ કાર્ડને રિન્યૂ કરાવ્યુ ન હતું. જેથી રાધેશ બુધ્ધભટ્ટી પ્રેસ કાર્ડ રીન્યુ કરાવવા અવાર નવાર કહેતો હતો. અને ગત જુલાઈ મહિનામાં ફરિયાદીને રાધેશ બુધ્ધભટ્ટીએ એવું કહ્યું હતું કે, “જો તમે કાર્ડ રીન્યુ નહી કરાવો તો તમને તકલીફ પડશે”. હાલમાં જે ફરિયાદ નોધાવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ગત તા. 5/8/2024 ના રોજ ફરિયાદીના પંપે સાંજે સવા સાતેક વાગ્યાના સમયે જયદેવ બુધ્ધભટ્ટી આવેલ હતો અને સ્ટાફ સાથે “ડીઝીટલ પેમેન્ટ થાય છે” અને “તમારા પંપની અમારી પાસે ફરીયાદો આવે છે કે તમે ડીઝીટલ પેમેન્ટ સ્વીકારતા નથી” તેવું કહીને માથાકૂટ કરી હતી અને તેના બે ભાઈ મયુર બુધ્ધભટ્ટી અને રાધેશ બુધ્ધભટ્ટી આવ્યુ હતા અને પંપનો વિડીયો બનાવીને તેને સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો. અને આટલું જ નહીં પરંતુ પોલીસમાં અરજી કરી હતી જેની તપાસમાં આ શખ્સોએ કરેલ અરજી અને આક્ષેપો ખોટા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે પેટ્રોલ પંપના ધારકની ફરિયાદ લઈને પોલીસે કાર્યવાહી કરી હતી
મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આ શખ્સો દ્વારા મોરબી પંથકમાં 600 જેટલા પ્રેસ કાર્ડ રૂપિયા લઈને આપવામાં આવેલ છે અને એક કાર્ડ માટે 3000 થી લઈને 8000 સુધી લોકોની પાસેથી રૂપિયા પણ લેવામાં આવેલ છે તેના પુરાવા પણ પોલીસને મળી ગયેલ છે અને મોરબી શહેરમાં રૂપિયા લઈને કે પછી લાલચ અને પ્રલોભન જેવા કે ટોકટેક્સ ભરવો નહીં પડે, સર્કિટ હાઉસમાં રોકશો તો ચાર્જ આપવો નહીં પડે તેવું કહીને જુદાજુદા 600 જેટલા લોકોને પ્રેસ કાર્ડ આ શખ્સો દ્વારા આપવામાં આવેલ છે અને આ આંકડામાં વધારો થઈ શકે તેમ છે કેમ કે, પોલીસે આ શખ્સો પાસેથી જેને જેને આઈ કાર્ડ આપવામાં આવેલ છે તેનો ડેટા મેળવવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોએ આ શખ્સો પાસેથી વેંચતા લીધેલા પ્રેસ કાર્ડને કબ્જે લીધેલ છે અને ભોગ બનેલા લોકોના નિવેદન પણ લેવામાં આવેલ છે
વધુમાં એવુ કહેલ હતુ કે, જે તે દિવસે પંપે માથાકૂટ કરીને વિડીયો વાઇરલ કરવામાં આવેલ હતો ત્યાર બાદ રાધેશએ ફરિયાદીને કહ્યું હતું કે, “આ મારો ભાઈ છે હું તેમને સમજાવી દવુ છુ” તે વિડીયો ડીલીટ કરી દેશે. તમે અમારા સભ્ય બની જાવ અને “તમારા કાર્ડ રીન્યુના આપી દો એટલે વાત પતે” તેવું કહ્યું હતું. જો કે, ફરિયાદીએ ના પડી હતી જેથી “હવે તમારા પંપની હાલત શું થાય છે તે તમે જોઈ લેજો” તેવી ધમકી આપી હતી.જેથી હાલમાં પકડાયેલ શખ્સો પાસેથી જે લોકોએ આવી રીતે વેંચતા પ્રેસના કાર્ડ લીધેલ હોય તેઓને તેના પ્રેસ કાર્ડ પોલીસમાં જમા કરવી આપવા માટે અપીલ કરવામાં આવી છે અને જો પોલીસ તપાસમાં કોઈ આવા બોગસ કાર્ડ સાથેના લોકો પકડશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરશે તેવું ડીવાયએસપીએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ છે.
મોરબીમાં પેટ્રોલ પંપના ખરા ખોટા વિડીયો બનાવીને સોશયલ મીડિયામાં વાયરલ કરીને તેમજ ખોટી અરજી કરીને પંપ ધારકને બ્લેક મેઈલ કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ચાલી રહેલ તપાસમાં આ શખ્સોએ જુદાજુદા મધ્યમોના અંદાજે 600 જેટલા પ્રેસ આઈ કાર્ડ બનાવીને મોરબીમાં લોકોને વેંચાણ કરેલ હોવાની માહિતી સામે આવી છે જો કે, પ્રેસ કાર્ડ વેંચવા, તેને રીન્યુ કરવા માટેના રૂપિયા લેવા અને આવા બોગસ પ્રેસ કાર્ડ પોતાની પાસે રાખવા તે પણ ગુનો છે જેથી કરીને મોરબી પોલીસે આ શખ્સો પાસેથી જે કોઈએ પણ પ્રેસના આઈ કાર્ડ કોઈપણ રીતે લીધા હોય તે લોકોને પ્રેસ કાર્ડ પોલીસમાં જમા કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.