વાંકાનેરના લૂણસર નજીકથી યુવાનનું અપહરણ કરીને માર મારનારા ત્રણ શખ્સની ધરપકડ
મોરબી : હળવદના ચાર ગામમાં હવે ચોમાસામાં થયેલ પાક નુકશાનનો સર્વે !: સહાય મળશે કે કેમ તે પ્રશ્નાર્થ
SHARE
મોરબી : હળવદના ચાર ગામમાં હવે ચોમાસામાં થયેલ પાક નુકશાનનો સર્વે !: સહાય મળશે કે કેમ તે પ્રશ્નાર્થ
ચોમાસા દરમિયાન ખેતીના પાકોને થયેલા નુકસાનના વળતર માટે થઈને રાજ્ય સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના ચાર ગામોની અંદર હાલમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને પ્રશ્ન એ ઉભો થાય છે કે આ ખેડૂતોને ખરેખર કૃષિ પેકેજ નો લાભ મળશે કે કેમ અને જો સમય મર્યાદામાં તે લોકો અરજી નહીં કરી શકે તો તેમને સહાય મળવા પાત્ર થશે કે કેમ તેનો જવાબ અધિકારીઓ પાસે પણ નથી
ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ થયો હતો અને ત્યારે એક દિવસથી લઈને એક પખવાડિયા સુધી ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયેલા રહ્યા હતા જેથી કરીને કપાસ, મગફળી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવતા પાંચ તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું હોવાથી જે તે સમયે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી
જો કે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ, દેવળિયા, અજીતગઢ અને ઘાટીલા ગામના ખેડૂતો દ્વારા સર્વે કરવાનો વિરોધ કરીને તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે ત્યારે હળવદના મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જોકે ત્યારે ટેકનિકલ કારણોસર સર્વેની કામગીરી આ ચાર ગામમાં થઈ શકી ન હતી પરંતુ સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ હવે આ ચારેય ગામના ખેડૂતો કૃષિ સહાયથી વંચિત રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલમાં સર્વે કરવામાં આવે છે પરંતુ ખરેખર આ લોકોને કૃષિ રાહત પેકેજમાંથી પાકમાં થયેલ નુકસાન સામે સહાય મળશે કે કેમ તે હાલમાં ચોક્કસપણે અધિકારી પણ કહી શકતા નથી. તેવું દેવળીયા ગામના ખેડૂત નલીનભાઇ જગજીવનભાઇ, પ્રવિણભાઇ કરશનભાઇ અને જયંતિભાઇ ભોરણીયા સહિતના ખેડૂતોએ જણાવ્યુ છે
જેથી ખેડૂત આગેવાનો દ્વારા ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી અને તે રજૂઆતોને ધ્યાને લઈને હાલમાં મોરબી જિલ્લાના ડીડીઓએ આદેશ કરીને મોરબી જિલ્લાના તમામ ગ્રામ સેવકોને આ ચાર ગામમાં ખેતી પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવા માટે થઈને કામે લગાડવામાં આવ્યા છે અને અંદાજે 50 જેટલા અધિકારી અને કર્મચારીની ટીમ આ ચાર ગામમાં સર્વેની કામગીરી હાલમાં કરી રહી છે. ત્યારે આ ગામોનો ખેતી પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થશે ત્યારબાદ ઉચ્ચ કક્ષાએ તે અંગેની જાણ કરીને આ ચારેય ગામના ખેડૂતોને પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજ નો લાભ મળે તેવી વ્યવસ્થા કરશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાએ જણાવ્યુ છે.