મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત
SHARE
મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત
મોરબીની વાવડી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક લઈને કામ સબબ દિકરીના ઘરે નાની વાવડી ગામ જઈ રહેલા આધેડના બાઇકને અજાણ્યા બોલેરો કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલ ગઢવી આધેડને સારવાર માટે અહિંની સિવિલએ લાવવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેઓએ દમ તોડી દેતા ડેડબોડી અત્રેની સિવિલે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કડિયા શેરીમાં રહેતા અંબાદાનભાઈ મોડભાઈ જીબા ગઢવી નામના ૬૦ વર્ષના આધેડ ગત તા.૯ ના રોજ રાત્રિના દસેક વાગ્યે તેઓનું બાઈક લઈને વાવડી ચોકડી પાસેથી જતા હતા.તેઓ કામસર તેમની દિકરીના ઘરે નાની વાવડી ગામે જઈ રહ્યા હતા.ત્યારે કોઈ અજાણ્યા બોલેરો કારના ચાલકે તેમને હડફેટે લીધા હતા.જેથી ગંભીરપણે ઘવાયેલ હાલતમાં તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવતા હતા ત્યારે રસ્તામાં જ તેઓનું પ્રાણ-પખેર ઉડી ગયું હતું.અંબાદાનભાઇનું મોત નીપજત્તા ડેડબોડીને અત્રેની સિવિલે પીએમ માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે હાલ મૃતકના પુત્ર જયદાન ગઢવીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા સ્ટાફના એ.એમ.જાપડીયા તેમજ રાઇટર કિશનભાઇ મોટાણી આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે આવેલ ઉમા સંસ્કારધામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈકમાં ડબલ સવારીમાં જઈ રહેલા પ્રવીણભાઈ માલાભાઈ મકવાણા (ઉમર ૫૫) અને શક્તિ દિનેશભાઈ મકવાણા (ઉમર ૧૩) રહે.બંને લજાઈ તા.ટંકારા વાળાઓને એમ્બ્યુલન્સ હડફેટે ઇજા થઈ હતી.જેથી કરીને બંને ઇજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ૨૮ વર્ષના યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસે થયેલ મારામારીના બનાવમાં કરણ રમેશભાઈ અગેચાણીયા (૨૮) રહે.કબીર ટેકરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વાળાને ઇજાઓ પહોંચી હોવાથી તેને પણ અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો