લાશના ટુકડા 99 કિલો મીટર સુધી ગાડીમાં ફેરવી વાંકાનેર નજીક કર્યો 'તો નિકાલ: તાંત્રિક નવલસિંહ ચાવડા તેની પત્ની, ભાણેજ સહિત ચાર સામે વાંકાનેરમાં નોંધાયો હત્યાનો ગુનો
SHARE
લાશના ટુકડા 99 કિલો મીટર સુધી ગાડીમાં ફેરવી વાંકાનેર નજીક કર્યો 'તો નિકાલ: તાંત્રિક નવલસિંહ ચાવડા તેની પત્ની, ભાણેજ સહિત ચાર સામે વાંકાનેરમાં નોંધાયો હત્યાનો ગુનો
અમદાવાદના તાંત્રિકે તેની પ્રેમિકાની હત્યા કરીને વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને તેના શરીરના કટકા કરીને લાશને દાટી દીધી હતી જે લાશને થોડા દિવસો પહેલા અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને બહાર કાઢી હતી અને ત્યારે જમીનમાંથી મૃતક યુવતીની ખોપરી સહિતના અવશેષો પોલીસે કબજે કર્યા હતા ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક તાંત્રિક તથા તેની પત્ની, ભાણેજ સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધીને પોલીસે આગળના કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદ પોલીસ દ્વારા થોડા સમય પહેલા તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન તેણે 13 વર્ષમાં 12 જેટલા લોકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું જો કે, ત્યાર બાદ આ તાંત્રિકનું હાર્ટ એટેકથી મોત થયું હતું જો કે, તાંત્રિકે કરેલ હત્યા પૈકી તાંત્રિક નવલસિંહ ચાવડાએ તેની પ્રેમિકાની હત્યા કરી હતી અને તેના શરીરના કટકા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરી તે વાંકાનેર શહેર નજીક દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું જેથી અમદાવાદ પોલીસ ગત બુધવારે વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર પોલીસને સાથે રાખીને વાંકાનેરમાં આવેલ વીસીપરા ફાટક પાસેથી સરધારકા તરફ જવાના રસ્તા ઉપર ફાટક પાસે ખોદકામ કરવામાં આવ્યું હતું.
વાંકાનેર પોલીસે જયારે ખોદકામ કર્યું હતું ત્યારે મૃતક યુવતીના શરીરના અવશેષો પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યા હતા જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા અને તે બોડીના પાર્ટસને ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકાના પીએસઆઇ જી.એલ.ઝાલા દ્વારા મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડા તથા તેની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા રહે. બંને અમદાવાદ તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને મૃતક તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા રહે. ધમલપર-2 કટીંગ વાળા મેલડી માતાજીના મંદિર પાસે વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજકોટની રહેવાસી નગમાબેન કાદરભાઈ મુકાસમની હત્યા કરી હતી કેમ કે, મૃતક યુવતીને તાંત્રિક સાથે પ્રેમ સંબંધ હતો અને નગમાએ લગ્ન કરવા માટે થઈને તાંત્રિકને દબાણ કર્યું હતું અને તાંત્રિક નવલસિંહ તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો જેથી નવલસિંહ ચાવડા તથા જીગર ભનુભાઈ ગોહિલે નગમાને નવલસિંહ ચાવડાના વઢવાણ ગામે આવેલ મકાને બોલાવી હતી અને ત્યાં નગમાને સોડિયમ પાવડર પીવડાવીને બેભાન કરી નાખીને હતી કરી હતી ત્યાર બાદ તિક્ષણ હથિયાર વડે તેના શરીરના અલગ અલગ ટુકડા કરવામાં આવ્યા હતા અને તે ટુકડાને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને નવલસિંહ ચાવડાની ગાડીમાં લાશના પોટલાને મૂકીને વાંકાનેર સુધી લઈ આવ્યા હતા.
જો કે, વાંકાનેર આવતા પહેલા નવલસિંહ ચાવડાએ તેના ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડાને ફોન કરીને નગમાની લાશને દાટવા માટે થઈને ખાડો ખોદી રાખવા માટે થઈને કહ્યું હતું ત્યારબાદ મૃતક યુવતીની લાશના કટકા કોથળામાં લઈને નવલસિંહ ચાવડા તેની પત્ની સોનલબેન ચાવડા અને જીગર ગોહિલ વઢવાણથી વાંકાનેર સુધી પહોંચ્યા હતા અને ત્યાં શક્તિરાજ ચાવડાએ બતાવેલ જગ્યા ઉપર મૃતક યુવતીની લાશના કટકા મૂકીને લાશ ઉપર મીઠું અને માટી નાખીને લાશને દાટી દેવામાં આવી હતી જોકે પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા શક્તિરાજ ચાવડાને સાથે રાખીને ખોદકામ કરીને તાંત્રિક નવલસિંહ ચાવડાએ કરેલ નગમાની હત્યાનો ભેદ ઉકેલ તેના શરીરના અવશેષો કબજે કરવામાં આવ્યા છે.
હાલમાં અમદાવાદ પોલીસ દ્વારા મૃતક યુવતીના મળેલ કંકાલ મુદે તાંત્રિકની કબૂલાત મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી બાજુ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પણ મૃતક તાંત્રિક નવલસિંહ ચાવડા, તેની પત્ની, તેના ભાણેજ સહિતના ચાર વ્યક્તિઓની સામે ભારતીય સાહિત્યની હત્યા સહિતનું જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી.ઘેલા ચલાવી રહ્યા છે અત્રે ઉલેખનીય છેકે, આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાએ નગમાની હત્યા તેના વઢવાણ ગામે આવેલા મકાનમાં કર્યા બાદ તેના શરીરના ટુકડા કોથળામાં ભરીને 99 કિલો મીટર દૂર વાંકાનેર સુધી લઈને આવ્યો હતો અને ત્યાં લાશનો જમીનમાં દાટીને નિકાલ કર્યો હતો.