મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી બાઈક ચોરીના કેસમાં વિમેદારને રકમ મળી
નવા વર્ષના પહેલા દિવસે મોરબીને મોટી ભેટ: સતવાર રીતે મહાપાલિકા મંજૂર, લોકોને સરકાર-સત્તાધીશોએ પાસે મોટી અપેક્ષા
SHARE
નવા વર્ષના પહેલા દિવસે મોરબીને મોટી ભેટ: સતવાર રીતે મહાપાલિકા મંજૂર, લોકોને સરકાર-સત્તાધીશોએ પાસે મોટી અપેક્ષા
મોરબી જિલ્લાને અંગ્રેજી કેલેન્ડર મુજબના નવા વર્ષના પહેલા દિવસે મોટી ભેટ મળી છે અને આજથી મોરબી નગરપાલિકાની જગ્યાએ મહાનગરપાલિકા સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી છે ત્યારે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓને ઝંખતા મોરબીના નગરવાસીઓને મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધિશો પાસે બહુ મોટી અપેક્ષા છે અને સારી પ્રાથમિક સુવિધાઓ મળશે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે.
રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં મોરબી નગરપાલિકાનો સમાવેશ થાય છે અને વર્ષ 1962 થી મોરબી નગરપાલિકા અસ્તિત્વમાં આવેલ છે છેલ્લા વર્ષો દરમિયાન લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની વિવિધ યોજનાઓ માટે થઈને ગ્રાન્ટ આપવામાં આવી છે તેમજ નગરજનો દ્વારા પણ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મોરબી નગરપાલિકાની તિજોરીમાં જમા કરવામાં આવ્યો છે તેમ છતાં પણ આજની તારીખે મોરબી શહેરમાં લાઈટ, પાણી, રોડ રસ્તા, ભૂગર્ભની સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે.
આ ઉપરાંત સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકનો અને આડેધડ બાંધકામનો છે અને રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં મોરબીનો સમાવેશ થતો હોવા છતાં પણ આજની તારીખે મોરબીના લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે રજૂઆતો કરવી પડે, માંગણી કરવી પડે, આંદોલનો કરવા પડે ત્યારે સુવિધાઓ મળે તેવી પરિસ્થિતિ છે અને સમગ્ર દેશની અંદર આર્થિક રીતે સમૃદ્ધ મોરબી સીટી હોવા છતાં પણ હરવા ફરવા માટેનું એક પણ સારું સ્થળ મોરબીમાં નથી ત્યારે હવે સરકારે આજે તા 1/1/2025 ના રોજ વિધિવત રીતે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે.
મોરબી જિલ્લો બન્યો તેને 11 વર્ષ વીતી ગયા છે પરંતુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે ઝડપથી રોડ રસ્તા, લાઈટ, પાણી, ટ્રાફિક સહિતની સમસ્યાઓનો ઉકેલ આવે અને લોકોને સારામાં સારી સુવિધાઓ મોરબીમાં ઘર આંગણે મળી રહે તેવી વ્યવસ્થાઓ ઉભી થાય તેવી લાગણી લોકો વ્યક્ત કરે છે સામે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવા વાયદાઓ કરી રહ્યા છે પરંતુ ખરેખર કેવું કામ થશે તે તો આગામી સમય જ બતાવશે
આ બાબતે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને જણાવ્યુ હતું કે, પાલિકાને મળતી ગ્રાન્ટ કરતાં વધુ ગ્રાન્ટ હવે મહાપાલિકાને મળશે જેથી કરીને લોકોની સુવિધામાં વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને ખાસ કરીને મોરબી છોડીને જે લોકો બહાર ગામ રહેવા માટે ગયા તેમણે પણ પાછા મોરબીમાં રહેવા માટેની ઈચ્છા થાય તેવી તમામ સુવિધાઓ મોરબીના લોકો માટે ઊભી કરવામાં આવશે. તો મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, મહાપાલિકા બનવાથી કમિશ્નર આવશે પરંતુ જુદાજુદા વિભાગમાં જે કર્મચારીઓની ઘટ છે તેને ધ્યાને લઈને પહેલા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે તો મોરબીના લોકોને સારી સુવિધાઓ મળશે નહિ તો હાલમાં છે તેવી જ સ્થિતિ રહેશે.
મોરબીમાં જાગૃત નાગરિક અને વકીલ સંજયભાઇ રાજપરાએ કહ્યું હતુ કે, વર્ષોથી મોરબીને પાલિકાનો દરરજો આપવામાં આવેલ છે અને 11 વર્ષથી મોરબી જિલ્લો બની ગયો છે જો કે, સુવિધાઓ મળવી જોઈએ તે આજની તારીખે પણ મળી રહી નથી ત્યારે મહાપાલિકા જાહેર કરવાથી સુવિધાઓ મળશે તેવી લોકોને ઘણી અપેક્ષાઓ છે જો કે, આવી ને આવી પરિસ્થિતી રહેશે તો માત્રને માત્ર ટેક્ષમાં વધારો થવા સિવાય બીજો કોઈ ફાયદો મોરબીના લોકોને થશે નથી જેથી અધિકારીઓએ અને નેતાઓ દ્વારા લાઈટ, પાણી, રોડ રસ્તા, ભૂગર્ભ અને બાગ બગીચા સહિતની સુવિધાઓ વધારવા માટે ધ્યાન કેન્દ્રિય કરવામાં આવે તેવી માંગ કરેલ છે.