મોરબી: મતદાન મથકની વિસ્તારના આસપાસના ૨૦૦ મીટર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ
SHARE
મોરબી: મતદાન મથકની વિસ્તારના આસપાસના ૨૦૦ મીટર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/ મધ્યસ્થ/ પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.
મતદારો નિર્ભયપુર્વક અને શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે, મતદાનની કાર્યવાહી દરમિયાન અસામાજિક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહીં, અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરે નહીં, મતદાન કરવા જતા મતદારોને કોઈ ભય ન રહે, મતદાન કરવા કે ન કરવા માટે દબાણ ઊભું ન થાય, ચૂંટણી પ્રચાર-પ્રસાર ન થાય, જાહેર શાંતિ-સલામતી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસના વિસ્તારમાં નિવારક પગલાં લેવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી સંબંધિત બુથ ઉભા કરી શકાશે નહીં, ચૂંટણી પ્રચાર પ્રસાર કરી શકાશે નહીં. તેમજ ચૂંટણી સંબંધિત પત્રિકાઓ, પ્રતીકો દર્શાવી શકાશે નહીં. તેમજ મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અંદર કે આસપાસ કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇને જઇ શકશે નહીં.
આ ઉપરાંત મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહીં, મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં કે વાહનો લઇને જઇ શકશે નહીં. છાંયડા માટે છત્રી, તાડપત્રી, કાંતનથી વ્યવસ્થા કરી શકાશે, પરંતુ તેને ચારેબાજુથી બંધ કરી શકાશે નહીં. મતદાન કરવા જતા મતદારને કોઈપણ પ્રકારનું પ્રલોભન આપવું, કોઈપણ ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા માટે દબાણ ઊભું કરી શકાશે નહીં. મતદાનના દિવસે મતદાન મથક અને તેની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઉમેદવાર કે રાજકીય પક્ષના મંજૂરીવાળા ચૂંટણી સંબંધિત વાહનોને પ્રવેશ કરી શકાશે નહીં. ચૂંટણી એજન્ટ, ઉમેદવાર, પક્ષના કાર્યકર્તાઓ મતદાન મથક અને તેની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં નામ, પ્રતિક, પક્ષના નામ વગરની મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી મૂકી શકશે.
આ હુકમમાંથી ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ હોય તે તમામ લોકોને, ફરજ પરના પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, પેરામિલીટરી ફોર્સના અધિકારીગણ અને જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આગામી તારીખ ૧૬/૨/૨૦૨૫ ના રોજ અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ નિયમ અનુસાર શિક્ષાને પાત્ર બનશે.