મોરબીના બેલા ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ, પ્રેગ્નેટ થતાં ફરિયાદ નોંધાઇ
SHARE
મોરબીના બેલા ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ, પ્રેગ્નેટ થતાં ફરિયાદ નોંધાઇ
મોરબીના સીરામીક કારખાનાઓમાં મજૂરી કામ કરી પેટીયુ રળવા માટે દેશના અનેક રાજ્યોમાંથી પરિવારો મોરબી આવતા હોય છે તે રીતે જ એમપીથી મજૂરી કામ માટે મોરબી આવેલ અને અહીંના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા પરિવારની સગીરા સાથે છ માસ અગાઉ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને બાદમાં તે પરિવાર તેના વતન ગયો હતો જ્યાં સગીરા પ્રેગ્નેટ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ત્યાંના પોલીસ સ્ટેશન ખાતે જીરો નંબરથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે, બનાવ મોરબી તાલુકા પોલીસની હદમાં બનેલ હતો જેથી આ અંગેની તપાસ તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રસુલપુર ગામનો પરિવાર મજુરી કામ માટે મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં આવેલ હતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતાં હતા દરમિયાનમાં ગત તા.1/8/24 થી 31/8/24 દરમિયાન તેઓના પરિવારની સગીર વયની દીકરી સાથે લેબર ક્વાર્ટર ખાતે અજાણ્યા ઇસમ દ્વારા બળજબરી કરવામાં આવી હતી અને બાદમાં આ પરિવાર તેમના વતન જતા સગીરા પ્રેગ્નેટ હોવાનું સામે આવ્યું હતું. જેથી મધ્યપ્રદેશ ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ત્યાંના પોલીસ વિભાગ દ્વારા ઝીરો નંબરથી અજાણ્યા શખ્સની સામે દુષ્કર્મ, પોકસો અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જેની તપાસના કાગળ એમપી ખાતેથી મોરબી આવતા હાલ આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસમાં નોંધ કરીને આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વાહન હડફેટે ઈજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ લિનિયર સિરામિક નજીક રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા બનવારીલાલ માલવીય નામના યુવાનને રંગપર નજીક રોડ ઉપર આવેલ આઈ માતા હોટલ પાસેથી પગપાળા જતા સમયે કોઈ ટ્રક ચાલકે હેડફેટ લેતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
ઘુંટુ નજીક અકસ્માત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શિવ પાર્ક સોસાયટી શેરી નંબર-૨ ખાતે રહેતા લાલજીભાઈ બાબુભાઈ અમરેલી નામનો યુવાન બાઇક લઈને ઘરેથી દુકાને જતો હતો.ત્યારે રસ્તામાં ઘુંટુ રોડ ઉપર શ્રીનાથ કાંટા પાસે તેના બાઈકને કોઈ કારના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં લાલજીભાઈને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના મૌમજીભાઈ ચૌહાણ આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.