મોરબીના ખાખરાળા ગામે રબારી યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીને પકડવાની માંગ સાથે વડવાળા યુવા સંગઠનની મૌન રેલી યોજાઇ
SHARE








મોરબીના ખાખરાળા ગામે રબારી યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીને પકડવાની માંગ સાથે વડવાળા યુવા સંગઠનની મૌન રેલી યોજાઇ
મોરબી તાલુકાના ખાખરાળા ગામે રબારી યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં આરોપી હજુ સુધી પકડાયેલ નથી જેથી આજે વડવાળા યુવા સંગઠનની આગેવાનીમાં મૃતક યુવાનના પિતા સહિતના પરિવારજનોને સાથે રાખીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૌન રેલીમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એસપી કચેરી ખાતે જઈને ડીવાયએસપીને આવેદનપત્ર આપીને આરોપીને વહેલી તકે પકડીને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે રહેતા જગદીશભાઈ કલોતરાના દીકરા કિશન જગદીશભાઈ કરોતરા (21)ની થોડા દિવસો પહેલા છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા જગદીશભાઈ કરોતરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત 30/4/2025 ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ખાખરાળાના મૂળ રહેવાસી અને હાલમાં નાની વાવડી ગામે રહેતા સાગર ઉર્ફે મૂળુ આયદાનભાઈ ડાંગર નામના શખ્સે કિશન કરોતરાની હત્યા કરી હતી અને હત્યાના બનાવને આજે 6 દિવસ જેટલો સમય થઈ ગયેલ છે તો પણ આરોપી ઝડપાયેલ નથી જેથી આજે મોરબી વડવાળા યુવા સંગઠનનેના દેવેનભાઈ રબારીની આગેવાની હેઠળ મૃતક યુવાનના પિતા જગદીશભાઇ કરોતરા સહિતના પરિવારજનોને સાથે રાખીને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો આવ્યા હતા.
મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ કેસરબાગે એકત્રિત થયા હતા અને ત્યાંથી રેલી યોજીને મોરબી એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં ડિવાયએસપી પી.એ. ઝાલાને મૃતક યુવાનના પિતા સહિતના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે ડીવાયએસપી પી.એ.ઝાલાએ કહ્યું હતું કે, બનાવ સ્થળેથી બે કાર્ટિસ અને હથિયાર કબજે કર્યું છે તેમજ આરોપી જે ગાડી લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હતો તે ગાડી અને ગાડીમાંથી પણ બે કાર્ટિસ કબજે કરવામાં આવ્યા છે જોકે, આરોપીને પકડવા માટે થઈને જુદી જુદી જગ્યા ઉપર ચારેક ટીમો કામ કરી રહી છે અને આરોપીને નીચેની કોર્ટમાંથી જામીન નહિ મળે તેવી ખાતરી ડીવાયએસપીએ મૃતકના પિતા તેમજ રબારી સમાજના લોકોને આપી હતી.
આ તકે મૃતક યુવાનના પિતા તથા રબારી સમાજના આગેવાનો દ્વારા આરોપી અગાઉ પણ ગુનામાં સંડોવાયેલ હતો જેથી ભવિષ્યમાં આવી રીતે બીજા કોઈ નિર્દોષ યુવાનની હત્યા જેવો બનાવ ન બને તે માટે થઈને વહેલી તકે આરોપીને પકડવામાં આવે અને તેને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, કિશન કરોતરાની હત્યા કયા કારણોસર કરવામાં આવેલ છે તેની માહિતી હજુ સુધી સામે આવેલ નથી કેમ કે, આરોપી હજુ પકડાયેલ નથી અને મૃતક યુવાનને આરોપી સાથે કયારે પણ બોલાચાલી કે ઝઘડો થયો હોય તેવો બનાવ બનેલ નથી જેથી આરોપી પકડશે પછી હત્યા કરવા પાછળનું કારણ સામે આવશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

