મોરબીના બરવાળા ગામે સ્કૂલે ગયેલ સગીર વયની દીકરીનું અપહરણ, ગુનો નોંધાતા શોધખોળ શરૂ
SHARE









મોરબીના બરવાળા ગામે સ્કૂલે ગયેલ સગીર વયની દીકરીનું અપહરણ, ગુનો નોંધાતા શોધખોળ શરૂ
મોરબીના બરવાળા ગામે શાળાએ ગયેલ વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યું હોવા અંગેની તેના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગુમ થયેલી સગીરાને શોધવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળીયા મીંયાણા તાલુકાના તરઘડી ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરી અભ્યાસ માટે બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયમાં અભ્યાસ માટે આવતી હોય ગઇકાલ તા.૧-૭ ના તે શાળાએ આવી હતી અને સવારે આઠેક વાગ્યે તેનો બેગ શાળાની અંદર મુકયા બાદ તેણી ક્યાંક ગુમ થઈ ગયેલ છે.જેથી હાલમાં ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ઇસમની સામે અપહરણ સબબ ફરિયાદ નોંધાવવામાં આવતા અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા ઈસમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના નવલખી રોડ શ્રદ્ધાપાર્ક સોસાયટી પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇકમાંથી પડી જતા નાથાભાઈ રાવાભાઇ (૬૪) રહે.બહાદુરગઢ ને ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થતા રાજેશગીરી કાશીગીરી ગોસ્વામી (૪૫) તથા ઉમાબેન રાજેશગીરી રહે.બંને વાંકાનેરને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. મોરબીના માધાપરા શેરી નંબર-૨૨ માં રહેતા સવજીભાઈ વાઘજીભાઈ પીપળીયા નામના ૪૫ વર્ષના યુવાનને નવલખી ફાટક પાસે વાહન અકસ્માત થયા બાદ થયેલ બોલોચાલી-મારામારીમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.
બાળકી સારવારમાં
મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટી મારૂતિનંદન એપાર્ટમેન્ટ ખાતે રહેતા પરિવારની સમીશાબેન નરેશભાઈ બડવાલ નામની પાંચ વર્ષની બાળકીને માથા ઉપર લોખંડનો દરવાજો પડ્યો હતો જેથી અત્રે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી.જ્યારે મોરબી વીસીપરા સ્મશાન રોડ ખાતે રહેતા મુમતાઝબેન ઇમરાનભાઈ મોવર નામની ૨૨ વર્ષની મહિલા કોઈ કારણોસર અજાણ્યુ પ્રવાહી પી જતા તેને પણ સારવાર માટે લઈ જવામાં આવી હતી.મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતા ભુપતભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનવામાં ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
