મોરબી જીલ્લામાં 95 કરોડના ખર્ચે બનશે નવા 6 મેજર બ્રિજ, બે જીલ્લાના જોડતા 50 વર્ષ જૂના બ્રિજના પિલરોને જેકેટિંગ કરીને આયુષ્યમાં 20 વર્ષનો કરાયો વધારો
SHARE
મોરબી જીલ્લામાં 95 કરોડના ખર્ચે બનશે નવા 6 મેજર બ્રિજ, બે જીલ્લાના જોડતા 50 વર્ષ જૂના બ્રિજના પિલરોને જેકેટિંગ કરીને આયુષ્યમાં 20 વર્ષનો કરાયો વધારો
મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ધ્રોલ હાઇવે રોડે ફુલઝર નદી ઉપર 50 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને તે બ્રિજના પીલરને જેકેટિંગનું કામ તાજેતરમાં પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારબાદ આજે મોરબી જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને ઇજનેરો સહિતની ટિમ ત્યાં કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોચી હતી અને બ્રિજના પિલરને જેકેટીંગનું કામ કરવામાં આવ્યું હોવાથી તે બ્રિજની આયુષ્યમાં અંદાજે 20 વર્ષ કરતાં વધુનો વધારો થશે તેવી માહિતી ઇન્ચાર્જ કલેકટરે આપી હતી. અને વધુમાં માર્ગ મકાન વિભાગના અધિકારી કહ્યું હતું કે, જીલ્લામાં નવા 6 બ્રિજ મંજૂર કરવામા આવ્યા છે જેથી 95 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
થોડા સમય પહેલા વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો અને તેના કારણે 21 જેટલા લોકોના મોત નીપજયાં હતા ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર મેજર અને માઇનોર જે બ્રિજ આવેલા છે તે તમામ બ્રિજની ચકાસણી કરવા માટે થઈને આદેશ આપવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી જિલ્લાના તમામ બ્રિજનું ચેકિંગ કરવામાં આવ્યું હતું દરમિયાન ટંકારા તાલુકાના સાવડી ગામ પાસે આવેલ કુલઝર નદી ઉપર 50 વર્ષ પહેલા બનાવવામાં આવેલ બ્રિજના જે પાંચ પિલર છે તે પિલર ઉપર જેકેટિંગનું કામ 48 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું જેથી બ્રિજના આયુષ્યમાં અંદાજે 20 વર્ષ કરતાં વધુનો વધારો થઈ જશે તેવી માહિતી ઇન્ચાર્જ કલેક્ટર જે.એસ.પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં રાજ્ય સરકાર હસ્તકના માર્ગ ઉપર 24 મેજર અને 48 માઇનોર બ્રિજ આવેલા છે અને તે તમામ બ્રિજનું ઇજનેરોની ટીમ દ્વારા તેમજ ગાંધીનગરથી આવેલ ડિઝાઇનની ટીમ તેમજ કન્સલ્ટન્ટ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી હતી. અને મોરબી જિલ્લામાં જે મેજર બ્રિજ આવેલ છે તેમાંથી ત્રણ બ્રિજને ભારે વાહનની અવર જવર માટે બંધ કરવામાં આવેલ છે જેમાં માળિયા પાસે, ટીકર નજીક અને વાંકાનેરના સિંધાવદર પાસેના બ્રિજનો સમાવેશ થાય છે અને હાલમાં બંધ કરવામાં આવેલા આ ત્રણ બ્રિજ ઉપરાંત હળવદ-ટીકર, મયૂરનગર-રાયસંગપૂર, હળવદ-સરા સહિત કુલ મળીને 6 નવા બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે જે 95 કરોડના ખર્ચે બનશે તેવી માહિતી મોરબી માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિગ્વિજયસિંહ સોલંકી પાસેથી જાણવા મળેલ છે.
ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર બ્રિજ તૂટવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને વર્ષ 2022માં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી 135 લોકોના મોત નિપજ્યાં હતા ત્યારે નિર્દોષ લોકોના જીવ ન લેવાય તે માટે સરકાર દ્વારા જે જગ્યા ઉપર બ્રિજના કામ ચાલુ હોય ત્યાં નિરીક્ષણ કરવા, જોખમી બ્રિજ હોય ત્યાં ભારે વાહનોની અવરજવર બંધ કરવા અને નવા બ્રિજ બનાવવાની જરૂર હોય તેના માટેના કામ ઝડપથી હાથ ઉપર લેવામાં આવેલ છે તેના અમલીકરણના ભાગરૂપે મોરબી જિલ્લામાં અધિકારીઓ દોડતા થઈ ગયા છે.