મોરબીના પીપળી ગામે દિવ્યાંગ બાળકો માટેની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાશે : તા.20 ઓગસ્ટના ભૂમિપૂજન
વાંકાનેરમાં પરશુરામધામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે,તા.29 થી 31 સુધી શોભાયાત્રા, જલયાત્રા, મહાયજ્ઞ, સંતોના સામૈયા, રાસગરબા સહિતના ભરચકક કાર્યક્રમો
SHARE








વાંકાનેરમાં પરશુરામધામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે,તા.29 થી 31 સુધી શોભાયાત્રા, જલયાત્રા, મહાયજ્ઞ, સંતોના સામૈયા, રાસગરબા સહિતના ભરચકક કાર્યક્રમો
સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી જ્ઞાતિ શ્રેષ્ઠીઓ-મહંતો ઉપસ્થિત રહેશે: મંદિરને રોશનીનો શણગાર: તડામાર તૈયારી
વાંકાનેરના રાજકોટ રોડ પર આવેલ બ્રહ્મસમાજ સોસાયટી ખાતે સમસ્ત બ્રહ્મસમાજના આરાધ્યદેવ ભગવાન પરશુરામદાદાના નિર્માણધીન પરશુરામધામ ખાતે આગામી તા.29/30/31 જુલાઈના રોજ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ ધામધૂમથી વાજતે ગાજતે યોજાશે.
પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભે તા.29ના રોજ કર્મ, દેહશુદ્ધિ, ગજાનન પુજન, સ્થાપીત દેવતાની પુજા, અગ્નિ સ્થાપના, જલયાત્રા, મહાઆરતી સહિત ઉપસ્થિત તમામ કર્મકાંડી ભુદેવો તથા આમંત્રીત મહેમાનો માટે પ્રસાદ (ફરાળ) સહીતની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તા.28 ને સોમવારના રોજ બપોરે ત્રણ કલાકે વાંકાનેરના પૌરાણિક ચત્રભુજ રાયજી મંદિર, દરબારગઢ પાસેથી દાદાની નગરયાત્રા (શોભાયાત્રા) પ્રસ્થાન થશે જે શહેરના રાજમાર્ગો જે દરબારગઢ રોડ, ચાવડી ચોક, રામચોક, માર્કેટચોક, પુલ દરવાજા, દિવાનપરા, આરોગ્યનગર થઈને નિર્માણધીન (શ્રી પરશુરામધામ) બ્રહ્મ સોસાયટી ખાતે પહોંચશે.
આ શોભાયાત્રામાં શણગારેલ રથમાં પરશુરામદાદાની પ્રતિમા તથા અન્ય રથમાં સંતો-મહંતો બિરાજમાન થશે. આ શોભાયાત્રા રૂટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા-પીણા સહિતની વ્યવસ્થા ઉભી કરાશે તેમજ રથ ઉપરાંત 100થી વધુ કારનો કાફલો જોડાશે તેમજ નાના-નાના ભુલકાઓ પણ વેશભૂષા બનીને જોડાશે સાથે બેન્ડ પાર્ટી, મ્યુઝીકલ પાર્ટી તથા ડી.જે.ના સથવારે અભૂતપૂર્વ યાદગાર શોભાયાત્રા યોજાશે તેમ મોરબી જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝાએ જણાવ્યું હતું.
પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે તા.31 જુલાઈના રોજ પરશુરામદાદાના જિનમંદિરના ગર્ભખંડમાં સ્થાપિત દેવી-દેવતાની મહાપૂજા, સ્થાપનવિધિ, વાસ્તુ, મૂર્તિન્યાસ, પ્રતિષ્ઠાકર્મ, અભિષેક મહાપુજા બાદ મુર્તિ સ્થાપના, પ્રતિષ્ઠાન તથા સ્થાપિત દેવી દેવતાની હોમક્રિયા, ઉતરકર્મ બાદ પુર્ણાહુતિ બાદ ઉપસ્થિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાશે.આ આરતી બાદ પ્રતિષ્ઠા સ્થાનની પાવધરા પર સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છથી ઉપસ્થિત હજારો ભુદેવો માટે બ્રહ્મચોર્યાસી તેમજ રાજકીય અગ્રણીઓ, આગેવાનો તથા આમંત્રીત મહેમાનો, આયોજકો, કાર્યકરો સહીતના માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદ માટે સમગ્ર ધર્મપ્રિય જનતાને જાહેર આમંત્રણ વાંકાનેર બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝાએ આપેલ છે.
આ કાર્યક્રમનું પ્રમુખ સ્થાન મનીષભાઈ ડી.માડેકા (રોલેક્ષ રીગમ લી. રાજકોટ) સંભાળશે. મુખ્ય મહેમાન પદે સાંસદ રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહજી ઝાલા, કેતનભાઈ જોષી (એમ.પી.જી.વી.સી.એલ. સૌરાષ્ટ્ર ઝોન), ગિરીશભાઈ પંડયા (આઈપીએસ સુરેન્દ્રનગર), રાહુલભાઈ ત્રિપાઠી (જીલ્લા પોલીસ વડા- મોરબી), અનિલભાઈ મહેતા (બ્રહ્મસમાજ પ્રમુખ સૌરાષ્ટ્ર-કચ્છ), અશ્વિનભાઈ ત્રિવેદી (સમગ્ર ગુજરાત બ્રહ્મસમાજ પ્રમુખ) તથા વિજયભાઈ બુજડ તથા અનેક મહાનુભાવો, પ્રતિષ્ઠ ઉદ્યોગપતિઓ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કરી આયોજકોને શુભેચ્છા સાથે બિરદાવવામાં આવશે.
આ અવસરે દ્વારકા શારદા પીઠાધીશ્વરના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદચાર્ય સરસ્વતીજી સ્વામી, શંકરાચાર્યજીના શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજી સ્વામી, મુંજકાના આર્યવિદ્યા મંદિરના પરમાત્માનંદજી, ભુવનેશ્વરી પીઠ- ગોંડલના આચાર્ય ઘનશ્યામ મહારાજ મોટાજડેશ્વર- કોઠારીયાના મહંત રતીલાલજી મહારાજ તથા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનબાપુ રાવલ સહિતના અનેક સંતો-મહંત આશિર્વચન આપશે.કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, બાબુભાઈ રાજગોર, અમિતભાઈ ભટ્ટ, રાજુભાઈ રાવલ, દુષ્યંતભાઈ ઠાકર, મોહનભાઈ રાજગોર, અમીતભાઈ ઠાકર, નિતીષભાઈ જોષી, વાંકાનેર બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે

