વાંકાનેરમાં પરશુરામ ધામના ત્રિ-દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ : ભવ્ય શોભાયાત્રા નિકળી
માળીયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીએ સરવડ ગામના પૂર્વ તલાટી મંત્રીની કરી ધરપકડ, રિમાન્ડ લેવા તજવીજ
SHARE







માળીયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીએ સરવડ ગામના પૂર્વ તલાટી મંત્રીની કરી ધરપકડ, રિમાન્ડ લેવા તજવીજ
માળીયા (મિ.) ના સરવડ ગામે રહેતા વૃદ્ધે બોગસ સોગંદનામા, બોગસ વરસાઈ આંબો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને તેઓની ખેતીની જમીનમાં પોતાની દીકરી ન હોવા છતાં પણ દીકરી તરીકે દર્શાવીને એક મહિલાને ખેડૂત ખાતેદાર બનાવી હતી જેથી કરીને સરવડના હાલના તલાટી મંત્રી દ્વારા કલેક્ટરના આદેશ બાદ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનાની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમના પીઆઇ ચલાવી રહ્યા છે અને તેઓએ આ ગુનામાં બોગસ વારસાઈ આંબો બનાવનાર જે તે સમયના તલાટી મંત્રીની ધરપકડ કરી છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે આજે માળીયાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
માળીયા (મિ.) તાલુકાના મેઘપર ગામના રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના સરવડ ગામે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અજયભાઈ વિજયભાઈ ખાંભરા (24) એ ગત મે મહિનામાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ પ્રભાશંકર રાવલ રહે. સરદારનગર સરવડ તાલુકો માળીયા(મિ.) તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનાર, વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેની તપાસ પહેલા માળીયાના પીઆઇ કરી રહ્યા હતા ત્યાર બાદ આ ગુનાની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવી હતી ત્યાર બાદ તપાસ વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાને સોંપવામાં આવી હતી જો કે, હાલમાં આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમ રાજકોટના પીઆઇ કે.કે. જાડેજા ચલાવી રહ્યા છે.
અત્રે ઉલેખનીય છેકે, થોડા દિવસો પહેલા બીમારી સબબ આ ગુનાના આરોપી મહેશભાઈ પ્રભાશંકર રાવલ નું અવસાન થયું છે જો કે, બોગસ આધાર પુરાવા ઊભા કરીને ખેડૂત બનનાર તેમજ બોગસ દસ્તવેજી પુરાવ ઊભા કરવામાં મદદ કરનારા તમામને પકડવા માટેની કવાયત ચાલી રહી છે તેવામાં સીઆઇડી ક્રાઇમ રાજકોટના પીઆઇ કે.કે. જાડેજા અને તેની ટીમે આ ગુનામાં આરોપી ભરતભાઇ દેવજીભાઈ ખોખર (37) રહે. મેલડી કૃપા, કન્યા છાત્રાલય પાછળ યદુનંદન-22 મોરબી મૂળ રહે. નાની બરાર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીને આજે માળીયાની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે વધુમાં તપાસનીસ અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, હાલમાં પકડાયેલ આરોપીએ બોગસ વારસાઈ આંબો બનવ્યો હતો જેથી તેની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે.
ફરિયાદીએ તેની ફરિયાદીમાં જણાવ્યુ છે કે, મહેશ પ્રભાશંકર રાવલએ બોગસ સોગંદનામા આધારે બોગસ વારસાઈ આંબો બનાવેલ હતો અને તે બોગસ વારસાઈ આંબા આધારે હંસાબેન નામની મહિલા તેની દીકરી ન હોવા છતાં પણ હંસાબેનને વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તે મહિલા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં બોગસ વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરીને ખેતીની જમીનમાં મહેશભાઇ રાવલે તેના ત્રણ સાચા સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને ખોટી રીતે પોતાની દીકરી બનાવીને વારસદાર બનાવેલ હતી. અને અધિકારીઓ સાથે મિલાપીપણું કરીને બોગસ ખેડૂત ખાતેદાર બનાવવા માટે કૌભાંડ કર્યું હતું તે ગુનામાં હાલમાં સરવાડ ગામના જે તે સમયના તલાટી મંત્રીની ધરપકડ કરવામાં આવેલ છે. અને બીજા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
અત્રે ઉલેખનીય છેકે, કલેક્ટરને બોગસ ખેડૂત ખાતેદાર બન્યા હોવાની અરજી કરવામાં આવી હતી. જેની હળવદના પ્રાંત અધિકારી અને માળીયા(મિ.) મામલતદાર દ્વારા તપાસ કરી હતી અને તેમાં ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને ખેડૂત ખાતેદાર બનેલ હોવાનો અભિપ્રાય આવેલ હતો. ત્યાર બાદ કલેકટરના આદેશથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. જો કે, તપાસમાં કોણે શું ખોટું કર્યું હતું તેની માહિતી સંભવત સામે આવી ગયેલ હોવા છતાં પણ આરોપીઓની સામે નામ જોગ ફરિયાદ કેમ આપવામાં આવી ન હતી ? તે પણ તપાસનો વિષય છે.ત્યારે જો તપાસનીસ અધિકારી દ્વારા હળવદના પ્રાંત અધિકારી અને માળીયા(મિ.) મામલતદાર દ્વારા કરવામાં આવેલ અરજીની તપાસ અને તેના અભિપ્રાયની કોપી મેળવીને આગળની તપાસ કરવામાં આવે તો કડાકા ભડાકા થવાની શ્ક્યતા છે.
મારામારીના બનાવમાં ઇજા
મોરબીના ઊંચી માંડલ ગામ પાસે રહેતા જેમુભાઈ લખમણભાઇ માલકીયા (35) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના લાલપર ગામે રહેતા પૂજાબેન મંગળજીભાઈ નિશાદ (23) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના પીપળીયા ગામે રહેતા ધનજીભાઈ (60) નામના વૃદ્ધને નવલખી ફાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા લક્ષ્મણભાઈ બાબુભાઈ સોલંકી (32) નામના યુવાનને બાઈક સ્લીપ થવાના કારણે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
