ટેરિફ વોરની અસર: મોરબીના સિરામિક ઉદ્યોગકારોના યુએસના ગ્રાહકો-એક્સપોર્ટરોના ઓર્ડર કેન્સલ-કન્ટેનર શિપમેન્ટને રોક
SHARE
ટેરિફ વોરની અસર: મોરબીના સિરામિક ઉદ્યોગકારોના યુએસના ગ્રાહકો-એક્સપોર્ટરોના ઓર્ડર કેન્સલ-કન્ટેનર શિપમેન્ટને રોક
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફના નવા દર લાગુ કરવા માટેની જાહેરાત કરી છે તેને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થઈ ગયો છે કારણ કે અમેરિકાના આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. દર વર્ષે 1500 કરોડથી વધુનું એક્સપોર્ટ મોરબીમાંથી અમેરિકામાં કરવામાં આવી રહ્યું છે પરંતુ 25 ટકા ટેરિફ લાગવાના કારણે હવે યુએસના ગ્રાહકો અને ઈમ્પોર્ટરો દ્વારા તેઓના ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યા છે અને કન્ટેનર શિપમેન્ટને રોકી દેવામાં આવ્યા છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો ઉપરથી ચિંતાના વાદળો ઘેરાયા છે
મોરબીના જુદા જુદા વિસ્તારમાં આવેલ સીરામીક કારખાનાઓની અંદર બનતી સીરામીક પ્રોડક્ટને દેશના દરેક ખૂણામાં તથા વિદેશમાં મોકલવામાં આવે છે જેમાં ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો દર મહિને સરેરાશ 1400 થી 1500 જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને 12 મહિને લગભગ 1500 કરોડથી વધુનું એક્સપર્ટ મોરબીમાંથી કરવામાં આવી રહ્યું છે જોકે, 25 ટકા ટેરિફ લાગવાના કારણે મોરબીના સીરામીક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ છે કારણ કે, ભારત ઉપર જે ટેરીફના નવા દર લાગુ કર્યા છે તેના કરતાં અન્ય દેશો કે જ્યાં સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે ત્યાં ટેરિફના નવા દર ઓછા લાગુ થઈ રહ્યા છે જેથી મોરબીના સિરામિક પ્રોડક્ટની માંગ ઘટે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આ બાબતે મોરબી સીરામીક વિટ્રીફાઈડ એસો.ના કારોબારી સભ્ય તથા એન્ટિક ગ્રેનાઈટો પ્રા.લિ. ના ડાયરેક્ટર પરેશભાઈ કુંડારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા આજની તારીખે અમેરિકામાં દર મહિને 1400 થી 1500 કન્ટેનર જેટલો માલ એક્સપોર્ટ કરવામાં આવે છે અને તેના ઉપર 9 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી તથા 3 ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી આમ 12 ટકા ડ્યુટી ઉપરાંત છેલ્લા ત્રણ મહિનાથી 10 ટકા ટેરીફ મળીને 22 ટકા જેટલો ટેક્સ તો આજની તારીખે લાગે જ છે જો અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલી જાહેરાત મુજબ 25 ટકાનો નવો દર લાગુ થશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વધુ 15 ટકા લાગશે જેથી કુલ 37 ટકા જેટલો ટેક્સ અમેરિકાને આપવો પડશે.
અત્રે ઉલેખનીય છે કે, આજની તારીખે મોરબીના જે સીરામીક ઉદ્યોગકારો અમેરિકામાં વેપાર કરે છે તેમના યુએસના ગ્રાહકો અને ઈમ્પોર્ટરો દ્વારા ટેરિફના નવા દર લાગુ કરવાની જાહેરાત થતાની સાથે જ તેઓના ઓર્ડરને કેન્સલ કરીને કન્ટેનરના શીપમેન્ ને રોકી દેવામાં આવ્યા છે જેથી આગામી સમયમાં આ ટેરીફ વોરની અસર મોરબીના સિરામિક ઉદ્યોગને બહુ મોટા પ્રમાણમાં થાય તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. વધુમાં પરેશભાઈએ કહ્યું હતું કે હાલમાં અમેરિકા દ્વારા જે રીતે જુદા જુદા દેશ ઉપર ટેરિફના નવા દર લાગુ કરવામાં આવી રહ્યા છે તેમાં જો ખાસ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય તેવા દેશની વાત કરીએ તો ભારત ઉપર 25 ટકા લાગુ કરવામાં આવી રહ્યો છે જોકે, સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરતા દેશમાં તર્કીમાં 10 ટકા, ઈટલી અને સ્ટેનમાં માત્ર 15 ટકા અને વિયેતનામમાં 20 ટકા ટેરિફના નવા દર લાગુ કરવામાં આવ્યા છે જે ભારત કરતાં ઓછા જોવાના લીધે ત્યાંની સિરામિક પ્રોડક્ટ સસ્તી થશે જેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગને થશે. અને અમેરિકામાં મોરબીનું સિરામિક માર્કેટ તૂટે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.









