મોરબી 602 જમીન કૌભાંડને લઈને મોટા સમાચાર: માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફુલતરિયા સસ્પેન્ડ: ડીડીઓનો આદેશ
SHARE









મોરબી 602 જમીન કૌભાંડને લઈને મોટા સમાચાર: માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફુલતરિયા સસ્પેન્ડ: ડીડીઓનો આદેશ
મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં આરોપી તરીકે તરઘરી ગામના સરપંચ સાગર ફુલતરિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે. જેથી માળીયાના ટીડીઓ દ્વારા સરપંચને હોદા ઉપરથી સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને ડીડીઓ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તરઘરી ગામના સરપંચને હોદા ઉપરથી સસ્પેન્ડ કરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે.
મોરબી સહિત ગુજરાતમાં મોરબીના વજેપર આવેલ સર્વે નંબર 602 વાળી જમીન માટે બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમએ ગત તા.15/3/25 ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે ફરીયાદ નોંધાવેલ હતી જે ગુનામાં સરપંચની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. જેથી માળીયા મિયાણાંના ટીડીઓ દ્વારા સરપંચને હોદા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી.
દરમ્યાન મોરબીના ડીડીઓ જે.એસ.પ્રજાપતિ સમક્ષ કેસ ચાલી ગયો હતો જેમાં સાગર અંબારામભાઈ ફૂલતરીયા તરફથી કોઇ લેખિત રજૂઆત કે બચાવ અંગે આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. જેથી તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયાને સસ્પેન્ડ કરવા માટેનો ડીડીઓ દ્વારા હુકમ કરવામાં આવેલ છે. જેની વધુમાં મળતી માહિતી મુજબ સરપંચ સાગર ફુલતરીયા સામે અગાઉ તા 3/3/23 ના રોજ એફ.આઈ.આર. નોંધાયેલ હતી જેમાં તેની તા 4/3/23 ના રોજ અટકાયત કરી હતી ત્યાર બાદ સરપંચ સાગર કૂલતરીયા સામે તા.15/3/25 ના રોજ મોરબી સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જમીન કૌભાંડની ફરિયાદ નોંધાયેલ છે. તે ગુનામાં તા.3/8/25 ના રોજ સી.આઇ.ડી. કાઇમની ટીમે તેની ધરપકડ કરી હતી અને રીમાન્ડ પુરા થતા તેણે તા 5/8/25 ના રોજ મોરબી જેલ હવાલે કરેલ છે.
આમ સરપંચની સામે નોંધાયેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ગ્રામ પંચાયતનાં જવાબદાર સરપંચ તરીકે હોદ્દા પર હોવા છતાં એક લોકસેવકને ન છાજે તેવું કૃત્ય કર્યું હતું તેમજ સરપંચ સામે ગુનો નોંધાવોએ તેનું નૈતિક અધઃપતન અને શરમજનક વર્તણુક ગણવાને પુરતું છે. જેથી કરીને ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ- 59(1) મુજબ ડીડીઓએ કાર્યવાહી કરીને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયાને તાત્કાલિક અસરથી તેના હોદા ઉપરથી સસ્પેન્ડ કરેલ છે.
