પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો
SHARE
પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકાનસર ગામે રહેતા યુવાને અન્ય વ્યક્તિ ઉપર થોડા સમય પહેલા પોલીસ ફરિયાદ કરી હતી.જે બાબતનું મનદુ:ખ રાખીને યુવાનને આંતરિક તેને ધમકી આપવામાં આવી હતી, ગાળો આપવામાં આવી હતી અને જાતિ પ્રત્યે હડધુત કરીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાવાતા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જોકે અગાઉ પોલીસ ફરિયાદ થઇ હોય અને છતાં પણ હુમલો કરવાની હિંમત થાય તો આ બાબત પોલીસની ઓસરથી જતી ધાકની ચાડી ખાય છે.જે ખરેખર ચિંતાનો વિષય છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા અમૃતભાઈ પ્રવીણભાઈ શેખવા (૩૮) નામના યુવાને મકનસર ગામના જ ભરત રાજપુત અને ભીખો રાજપુત એમ બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા તેમણે સામેવાળાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલી હતી.જે બાબતનું મનદુઃખ રાખીને બંનેએ એકસંપ કરીને ધમકી આપી હતી, ગાળો આપીને જાતિ પ્રત્યે હડધુત કરવામાં આવ્યા હતા. અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.હાલ અમૃતભાઈ શેખવાની ફરિયાદ આધારે ઉપરોક્ત બંને સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની આગળની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
આધેડ રાજકોટ ખસેડાયા
મોરબીના નવલખી રોળ યમુનાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ અમૃતલાલ ગોહેલ નામના સત્તાવન વર્ષના આધેડ ગત તા.૫-૩ ના છ વાગ્યાના અરસામાં ઘર નજીકથી મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન ત્યાં તેઓનું મોટરસાયકલ સ્લીપ થયું હતું જેથી ઈજા પામતા મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા અને ત્યાં સારવાર આપીને તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે જાંબુડીયા ગામે આવેલ નીલકંઠ સેનેટરી પાસે રહેતા બબનભાઇ ગોવિંદભાઈ પરમાર નામના ૫૬ વર્ષના આધેડને જોધપર ગામના પુલ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા થઈ હોય સામેકાંઠે શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
વાહન અકસ્માત
મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં રોહિતભાઈ સવજીભાઈ ડાભી (૨૦) રહે.લક્ષ્મીનગર તા.જી.મોરબીને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને મોરબીના લાલપર ગામે સાઇકલમાંથી પડી જતા દીક્ષા મનીષભાઈ પટેલિયા નામની છ વર્ષની બાળકીને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.જ્યારે માળિયા(મિં.)ના સરવડ ગામ પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનવામાં નારણભાઈ મગનભાઈ દેગામા (૪૪) રહે.આમરણને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.